(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
નોટબંધીથી અર્થતંત્રનો દાટ વાળવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસે દાવો કર્યો હતો કે, જો તે સત્તામાં આવશે તો નોટબંધી પછી સૌથી મોટા પ્રમાણમાં થાપણો જમા કરનારી અમિત શાહની આગેવાનીવાળી ગુજરાતની બેંક સહિત ટેક્ષ હેવન્સ અને ભારતીય બેંકોમાં જમા થયેલા થાપણોની તપાસ કરવામાં આવશે. કોંગ્રેસના નવા પ્રહારો એવા સમયે આવ્યા છે જ્યારે આરટીઆઇમાં ખુલાસો થયો છે કે, નોટબંધીનો આરબીઆઇના ટોચના અધિકારીઓએ વિરોધ કર્યો હતો. જ્યારે અધિકારીઓએ એવું પણ કહ્યું હતું કે, નોટબંધી કરવાથી કાળા નાણા પર અંકુશ લગાવવામાં કોઇ મદદ મળશે નહીં. ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા આરબીઆઇના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકના થોડા કલાકોમાં જ નોટબંધીની જાહેરાતને ટાંકતા કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશે કહ્યું કે, સરકારે આરબીઆઇ પર નોટબંધી લાદી અને તેને મોટી લાભકારી યોજના ગણાવી હતી. ઉર્જિત પટેલની આગેવાનીમાં મળેલી આરબીઆઇની બેઠકના અંશો આરટીઆઇ કાર્યકર વેંકટેશ નાયકે જાહેર કર્યા છે. જયરામ રમેશે મીડિયાને જણાવ્યું હતું કે, સરકાર જે હેતુ સિદ્ધ કરવા માગતી હતી ખાસ કરીને કાળા પરની અસર અને નકલી નોટો, તેની સાથે આરબીઆઇના ડિરેક્ટર્સ સંમત ન હતા આનાથી સાબિત થાય છે કે, આરબીઆઇ પર નોટબંધીનો નિર્ણય લાદવામાં આવ્યો હતો જેના કારણે ભારતીય અર્થતંત્ર બરબાદ થઇ ગયું. તેમણે એવું પણ કહ્યું કે, ઉર્જિત પટેલ જ્યારે પણ સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા ત્યારે તેમણે ક્યારેય આરબીઆઇની આ બેઠક વિશે વાત કરી ન હતી અને તેણે આગળ ધરેલી ચિંતાઓ દર્શાવી ન હતી. આરબીઆઇ તરફથી ડિરેક્ટર્સે એવી દલીલ કરી હતી કે, મોટાભાગનું કાળું નાણું કેશમાં હોતું નથી. લોકો તેને સોના અને રિયલ એસ્ટેટના રૂપમાં રાખે છે તેથી નોટંબધી કરવાને કારણે આ બધી બાબતો પર કોઇ અસર થશે નહીં. જયરામ રમેશે આરટીઆઇના ખુલાસાને ટાંકતા કહ્યું કે, નોટબંધીએ ફક્ત અર્થવ્યવસ્થાનો જ દાટ વાળ્યો નથી પરંતુ લાખો નોકરીઓનો નાશ કર્યો અને નાના વેપારીઓની કમર તોડી નાખી સાથે જ તે સૌથી મોટી મની લોન્ડ્રીંગ સ્કીમ બની રહી. તેમણે કહ્યું કે, જ્યારે કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે નોટબંધીની અસરોની તપાસ કરવામાં આવશે. અમે અમિત શાહ જેના ડાયરેક્ટર છે તેવી ગુજરાત કો-ઓપરેટિવ બેંકમાં નોટબંધી પહેલા અને પછી ભાજપ દ્વારા જમા થયેલા મોટા પ્રમાણના નાણાની પણ તપાસ કરવામાં આવશે. નોટબંધી એક મોટું કૌભાંડ હતું અને કોંગ્રેસની સરકાર દરેક એંગલથી તપાસ કરશે.