(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
કેન્દ્રની નરેન્દ્ર મોદીની આગેવાની વાળી ભાજપ સરકાર પર હુમલો કરતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે જે ભારતના વિચાર માટે ઈન્દીરા ગાંધી લડ્યાં તેને આજે આપણે જે વધતી જતી અસહિષ્ણુતાને જોઈએ છીએ તેની પર ચર્ચા છેડીને આંગળી ઉઠાવવામાં આવી. રાહુલે કહ્યું કે ઈન્દીરાની જેમ આપણે સૌએ પણ અંધકારની તાકાતોની વિરૂદ્ધમાં નિર્ભય અને બેફિક્ર બનીને ઊભા રહેવું પડશે. નવી દિલ્હીના જવાહરલાલ નહેરૂ ભવનમાં ઈન્દીરા ગાંધીની પુણ્યતિથિએ મીડિયાકર્મીઓને સંબોધિત કરતાં રાહુલે કહ્યું કે ઈન્દીરાની જેમ આપણે સોએ અંધકારની તાકાતોની સામે નિર્ભય અને મક્કમ રહેવું જોઈએ. આ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર ઈન્દીરા ગાંધીની શ્રદ્ધાંજલિ આપી. તેમણે લખ્યું કે પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ પાઠવું છું. મોદીએ સરદાર પટેલની ૧૪૨ મી જન્મજયંતિએ તેમને પણ અંજલિ પાઠવી. તેમણે કહ્યું કે આપણે સરદાર પટેલની જયંતિએ તેમને સલામ કરીએ છીએ. કોંગ્રેસના નેતા અજય માકન અને અશોક ગેહલોતે પણ ઈન્દીરા ગાંધીને યાદ કર્યાં. કેરળ કોંગ્રેસના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીએ ટ્વીટ કરીને કહ્યું કે આજે ભારતના મજબૂત નારી ઈન્દીરા ગાંધીની શહાદતનો દિવસ છે આ પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની પુત્રી ઈન્દીરા ગાંધી લાંબા સમય સુધી વડાપ્રધાન પદનો હોદ્દો ભોગવનાર દેશના પહેલા વડાપ્રધાન હતા. ૧૯૫૯ માં તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં હતા અને ૧૯૬૬ થી ૧૯૭૭ સુધી વડાપ્રધાન રહ્યાં હતા. પરંતુ ૧૯૭૫ માં ઈન્દીરાએ રાષ્ટ્રમાં ઈમરજન્સી લાદી હતી જેને પરિણામે તેમને સત્તા ગુમાવવી પડી હતી. ઉલ્લેખનીય છે કે ૩૧ ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિની સાથે સાથે ઈન્દીરા ગાંધીની પુણ્યતિથિ પણ છે.