જે ને જે કરવું હોય એ કરી લે, ભાજપની ભવાઈને આજીવન પાડી દેવા મહેનત કરીશું

અમદાવાદ,તા.૧પ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ એકિઝટ પોલ વિવિધ ન્યૂઝમાં જોવા મળ્યા જેમાં ભાજપાને પૂર્ણ બહુમત મળતો હોવાનું દર્શાવાયું હતું ત્યારે મંત્રી પર જુતુ ફેંકવાના મામલે ચર્ચામાં રહેલા પાટીદાર નેતા ગોપાલ ઈટાલિયાએ આ અંગે આક્રમક રીતે સોશિયલ મીડિયામાં પોતાનો વિચાર વ્યકત કર્યો હતો તેણે મીડિયાને પણ આડે હાથ લીધી હતી અને એકિઝટ પોલ પર આકરા પ્રહારો કર્યા હતા એ સાથે પરિણામે કંઈ પણ આવે ન્યાય માટે અને ભાજપને પાડી દેવા કાયમ લડત ચાલુ રાખવાનો હુંકાર કર્યો હતો.
ગોપાલ ઈટાલિયાનું માનવું છે કે શું પોલ સાચો પડશે તો, ખેડૂતો ખોટા હતા ? નેનોની જમીન ફાળવણી સાચી સાબિત થશે ? લોકો પર કરેલું દમન સાચું હતું ? છતાંય માની લઈએ કે સાચું છે આ તો પણ અમે લડતા રહીશું, હું એકિઝટ પોલના અનુમાનમાં માનતો નથી માટે હું પણ કોઈ અનુમાન લગાવતો નથી કે કોને કેટલી બેઠકો મળશે જે થશે એ આગામી ૧૮મીએ માલુમ પડી જ જશે. ગોપાલ ઈટાલિયાએ પોસ્ટમાં લખ્યું છે કે ભાજપ જીતે કે કોંગ્રેસ એ તો ૧૮ તારીખે જોયું જાશે પણ ટીવીવાળાએ સવા શેર સુંઠ ખાધી હોય તો ગુજરાતમાં કેરળની સરખામણીમાં શિક્ષણનું પ્રમાણ કેટલુ છે એ બતાવે ગુજરાતનું માથાદીઠ દેવું બતાવે, ખેડૂતની માથાદીઠ આવક બતાવે, ગેસના બાટલાનો ભાવ બતાવે, શિક્ષણના કાયદાનો કેટલો અમલ થયો બતાવે, દારૂ બંધ થયો કે નહીં તે બતાવે, ધારાસભ્યો અને આંદોલનકારીને ખરીદવામાં વપરાયેલ કરોડો રૂપિયા કયાંથી આવ્યા એ બતાવે. ટીવીવાળા બોવ પાણીવાળા હોય તો નલિયાકાંડની તપાસ કેટલે પહોંચી એ બતાવે, જૂનાગઢના થેલેસેમિયા કાંડમાં કેટલાને સજા થઈ એ બતાવે. ચોમાસામાં આખા ગુજરાતના રોડ તૂટી ગયા હતા એમાં કેટલાને સસ્પેન્ડ કર્યા એ બતાવે, થાનગઢ કાંડમાં શું પરિણામ આવ્યું એ બતાવે દિપેશ અભિષેકના માવતરને ન્યાય મળ્યો કે નહી તે બતાવે, ગાંધીનગરમાં એક આઈપીએસની પત્નીએ પોલીસવાળાને ઘરમાં ગોંધી રાખ્યા હતા તેનું શું થયું એ બતાવે. એકિઝટ પોલવાળા કહે એ રીતે જ રિઝલ્ટ આવવાનું હોય તો ગુજરાતને બતાવે કે ધોલેરા એરપોર્ટ કયારે ચાલુ થાશે ? ભાવનગરમાં જેમ એન્ડ જવેલરી પાર્ક કયારે ચાલુ થાશે ? નળમાંથી તેલ કયારે નીકળશે ? ચોટીલા એરપોર્ટ પર પ્લેન કયારે આવશે ? વિજય માલ્યા પાછો કયારે આવશે ? જય શાહ જેલમાં કયારે જશે ? ગંગા સાફ કયારે થાશે ? વિદેશમાં રહેલું કાળુંનાણું કયારે આવશે ? ૬૦ વર્ષ સુધી ભ્રષ્ટાચાર કરનારાઓને સજા કયારે થાશે ?? જો એકિઝટ પોલવાળામાં દમ હોય તો બતાવે કે ૭પ વર્ષની ઉંમરના કારણે આનંદીબેનનું રાજીનામું લેનારાએ વઢવાણમાં ધનજીભાઈ, ઠકકરનગરમાં વલ્લભભાઈ, ઉંઝામાં નારણભાઈ જેવા ૭પ સુધી પહોંચેલાને ટિકિટ કેમ આપી ? મીડિયા હાઉસના એસી સ્ટુડિયોમાં બેસીને ભાજપની દલાલી કરનારાઓ અને એમના આકાઓમાં તાકાત હોય તો નેનો પ્લાન્ટમાં સરકારે કેટલી જમીન અને કેટલી લોન આપી એ બતાવે, બદલામાં નેનો પ્લાન્ટ ગુજરાતના રોજગાર ક્ષેત્રમાં કેટલા ટકા હિસ્સો ધરાવે છે એ બતાવે. ટીવીવાળામાં દમ હોય તો સાધન સુવિધાના અભાવે ગટરમાં ગુંગળાઈ મરતા મારા સફાઈ કામદાર ભાઈઓ અને એમના પરિવારની હાલત બતાવે ફિકસ પગારમાં ઓશિયાળું જીવન જીવતો કર્મચારી બતાવે, મામુલી પગારમાં દિવસ-રાત બંદોબસ્ત કરતો પોલીસ જવાન બતાવે. આ એકિઝટપોલ મુજબ જો ભાજપ આવવાનું છે તો ટીવીવાળાને વિનંતી કે ભાજપનો ર૦૧૭નો ચૂંટણી ઢંઢેરો બતાવે ભાજપ આવતા પાંચ વર્ષ સુધી શું કરવાની છે એ બતાવે. અરે ભાઈ ભાજપના પાલતું કૂતરાઓ જો ગુજરાતમાં ભાજપ જ આવવાની હોય અને તમારા માતૃશ્રીએ સવા શેર સૂંઠ ખાધી હોય તો પ્રજાના અચ્છે દિન કયારે આવશે એ બતાવો.. બાકી ખોટા પોલ બતાવી લોકોને ડરાવવાનું બંધ કરો. અને હા પોલ સાચો પડે કે ખોટો પડે, ચૂંટણીમાં ભાજપ જીતે કે કોંગ્રેસ જે જીતે તે ભલે જીતે બાકી પાટીદારોના ન્યાય અને અધિકાર માટે, સફાઈ કામદારોના અધિકાર માટે, ખેડૂતોના હક માટે, ફિકસ પગારદારને પુરા પગાર માટે, કોન્ટ્રાકટ કર્મચારીને કાયમી નોકરી માટે ૧૦૮/ આંગણવાડી/ આશાવર્કરના સન્માન અને સ્વાભિમાન માટે, ભૂમિહિનોને જમીનના ટુકડા માટે, સસ્તા અને ગુણવત્તાયુકત શિક્ષણ માટે, સારી આરોગ્ય સુવિધા માટે, ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે, જાતિવાદ દૂર કરવા માટે અને સંવિધાનને સંપૂર્ણ રીતે લાગુ કરવા માટેની લડાઈ ચાલુ રહેશે. ચાલુ રહેશે અને ચાલુ જ રહેશે. જેને જે કરવું હોય એ કરી લે બાકી જીવશું ત્યાં સુધી આ ભાજપની ભવાઈની આજીવન નસબંધી કરી પાડી દેવા માટે મહેનત કરીશું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks