(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૧૮
સમગ્ર દેશમાં ગૌહત્યાના નામે અસામાજીક તત્વો કાયદો હાથમાં લઇને મુસ્લિમોના જાન-માલને નુકસાન પહોંચાડે છે, તથા ભારતના વડાપ્રધાન વારંવાર ગૌરક્ષાના નામે થતી હત્યા નહીં ચલાવી લેવાય, તેવા ઉચારણો જાહેર કરે છે, પરંતુ જે તે રાજ્યમાં ઘટના બને છે, તે રાજ્યના મુખ્યમંત્રીઓ કે, કોઇપણ સનદી અધિકારીઓ આ પ્રકારની વડાપ્રધાનની જાહેરાતની નોંધ લેતા નથી કે ગુનેગારો સામે પગલાં ભરતા નથી, જેથી આડકતરી રીતે તેઓ આવા બનાવોને આકસ્મિક ઘટના તરીકે વર્ણવવાનો બાલીશ પ્રયાસ કરતા હોય છે, તેમ આજે સુરત કલેક્ટર કચેરીએ આવેલા ઓલ ઇન્ડિયા માઇનોરિટી કમિશનના મેમ્બર કે.કે.દસ્તુર સાથે સુરત વર્સેટાઇલ માઇનોરિટી ફોરમના પ્રમુખ એડ.ઇશ્તિયાક પઠાણ (બાબુ પઠાણ) અને જમીયતે ઉલમા સુરતના મૌલાના મીરએ આવેદનપત્ર આપી તાત્કાલીક ઘટતું કરવા રજૂઆત કરાઇ હતી.વડાપ્રધાનના પંદર મુદ્દાઓના કાર્યક્રમ સાથે સુરત કલેક્ટર કચેરીએ સમીક્ષા બેઠક કલેક્ટર મહેન્દ્ર પટેલ અને ઓલ ઇન્ડિયા માઇનોરીટી કમિશનના હાલમાં વરાયેલા મેમ્બર કે.કે.દસ્તુરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં જૈન, પારસી, સિંધી અને મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિ મંડળ હાજર રહ્યા હતા, જેમાં વિવિધ લઘુમતિઓના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા થઇ હતી. પરંતુ હાલમાં સૌથી સંવેદનશીલ મુદ્દો ગૌરક્ષકો દ્વારા લઘુમતિ અને તેમાં પણ ખાસ કરીને મુસ્લિમો ઉપર ગૌરક્ષાના નામે કટ્ટરવાદીઓ દ્વારા છાશવારે અવાર નવાર કરાઇ રહેલા મુદ્દાને સુરત વર્સેટાઇલ માઇનોરીટીઝના પ્રમુખ એડ. ઇશ્તિયાક પઠાણ (બાબુ પઠાણ) અને જમીયત ઉલમાએ હિન્દ સુરતના પ્રમુખ મૌલાના મીરએ ઉઠાવી આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત સાથે તેમાં જણાવેલ હાલમાં સમગ્ર ભારતના લગભગ તમામ રાજ્યોમાં ગૌરક્ષાના નામે કેટલાક અસામાજીક તત્વોના બનેલા સંગઠનો પોતાની અંગત અદાવતો પાર પાડવા ગૌરક્ષાના નામે મુસ્લિમોને જાહેર રસ્તા ઉપર, ટ્રેનમાં, બસમાં અને એમને ફાવે તે જગ્યાએ ટોળાશાહીમાં પૂર્વ આયોજિત માર મારવાની અને જાનથી મારી નાંખવાની ઘટનાઓ પાર પાડે છે. આવા બનાવો રોજ બરોજ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ અને છત્તીસગઢમાં વધારે પડતા પ્રમાણમાં બની રહેલ છે. આવા હુમલા કરનારાઓ એટલા બધા બેફામ બની ગયા છે, તેઓ નિર્દોષ નાગરિકો પર હુમલો કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિની વીડિયો ક્લીપીંગ સોશિયલ મીડિયા પર મુકે છે અને તેમ કરીને તેમણે બહુ બહાદુરીનું કામ કર્યું છે તેવું પુરવાર કરવાના પ્રયાસો કરે છે.આવેદનપત્રમાં વધુમાં જણાવેલ કે અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે, આજદિન સુધી ઓલ ઇન્ડિયા માઇનોરીટી કમિશન દ્વારા આવી કોઇપણ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હોય કે, તેમની સામે કાયદેસર પગલા ભરવાની કોઇ ભલામણ કરવામાં આવી નથી. સમગ્ર માઇનોરીટીમાં મુસ્લિમ બહુમતીમાં છે અને ઇરાદાપૂર્વક મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવે છે, તો તે અંગે આવા કૃત્યો સદંતર બંધ થાય તે પ્રકારની કાર્યવાહી ઓલ ઇન્ડિયા માઇનોરીટી કમિશન દ્વારા કરવામાં આવે તેવી લાગણી છે.
દરમિયાન વધુમાં જણાવેલ કે, ભારતના વડાપ્રધાન વારંવાર ગૌરક્ષાના નામે થતી હત્યા નહિં ચલાવી લેવાય, તેવા ઉચ્ચારણો જાહેરાતમાં કરે છે, પરંતુ જે રાજ્યમાં ઘટના બને છે તે રાજ્યમાં મુખ્યમંત્રીઓ કે કોઇપણ સનદી અધિકારીઓ આ પ્રકારની વડાપ્રધાનની જાહેરાતની નોંધ લેતા નથી કે ગુનેગારો સામે પગલા ભરતા નથી. આડકતરી રીતે તેઓ આવા બનાવોને આકસ્મિત ઘટના તરીકે વર્ણવવાનો પ્રયાસ કરે છે. અગાઉ પણ બીફ માટે અખ્લાક નામના વ્યક્તિને તેમના ઘરમાં ઘુસીને ટોળાએ જાનથી મારી નાંખેલ, ત્યારે પણ કેન્દ્રના મંત્રીએ તે ઘટનાને એક અકસ્માતની ઘટના ખપાવવાનો પ્રયાસ કરેલો અને તે ઘટનામાં સંડોવાયેલા ગુનેગારનું જ્યારે જેલમાં મૃત્યુ થયું ત્યારે શહીદનો દરરજો આપવાની માંગણી કરવામાં આવેલી અને તેને રાષ્ટ્રધ્વજ ઓઢાડી દેવામાં આવેલો. આવી ઘટના સર્જનારનું વિરોચીત સન્માન કરવામાં આવે છે.જેનાથી આવા તત્વોની હિંમ્મત ખુબ જ વધી જાય છે, તેવા સંજોગોમાં લઘુમતી માટે રજૂઆત કરનાર તરીકે અને તેમની સામે આવા કૃત્યો કરનાર સામે પગલાં લેવા માટે એક જ સત્તા અસ્તિત્વમાં છે અને તે છે ઓલ ઇન્ડિયા માઇનોરીટી કમિશન.
આ ઉપરાંત ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ ગૌરક્ષાના નામે કાયદેસર રીતે ઢોરની હેરાફેરી કરતાં નિર્દોષ વ્યક્તિઓને મારઝુડ કરવામાં આવે છે, અને તેમને જાનથી મારી નાંખવામાં આવે છે. અને તેમની ટ્રકોને આગ લગાડી તેમને આર્થિક રીતે નુકશાન પહોચાડવામાં આવે છે, ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચના પુલના નાકે, તાપી જિલ્લામાં સોનગઢ ચેક પોસ્ટ પાસે તથા વાપીના ચેકપોસ્ટ પાસે આવા ગેરકાયદેસર બનેલા મંડળીના તત્વો ટોળાશાહી રૂપમાં ઉભા રહી તેમને કોઇપણ જાતનો અધિકાર ન હોવા છતાં તેઓ ટ્રકોની ચેકિંગ કરે છે તેમને અટકાવે છે અને તેમનો અંતિમ હેતુ બર લાવવા ડ્રાઇવરોને માર મારી લૂંટફાટ ભારતમાં મુસ્લિમોને સમાનતાનો બંધારણીય અધિકાર હોવા છતાં તેઓ બીજી કક્ષાના નાગરિક હોય તે રીતે તેમની સામે કેટલાક તત્વો દ્વારા રાજકીય સંરક્ષણ અને ઓઠા હેઠળ વર્તાવ કરે છે તેવા તમામ સંજોગોમાં માઇનોરીટી કમિશને આ અંગે ભારતના તમામ રાજ્યો પાસેથી ગૌરક્ષાના નામે થતી હિંસા અટકાવવા આદેશ કરવો જોઇએ અને જે બનાવ બને છે તે અંગેની માહિતી પણ મંગાવવી જોઇએ, તદ્ઉપરાંત આવી ઘટનામાં માર્યા ગયેલા નિર્દોષ મુસ્લિમ નાગરિકોને સરકાર તરફથી વળતર મળે તે માટેની યોગ્ય કાર્યવાહી કરવા જોઇએ તેવું અપાયેલ આવેદનપત્રમાં વર્સેટાઇલ માઇનોરીટીઝ ફોરમના પ્રમુખ એડવોકેટ બાબુ પઠાણ અને મૌલાના મીર તથા હાજી ચાંદીવાલા સહિતના લોકોએ કરી હતી.
ગુજરાત રાજ્યના શાળાના પાઠ્ય પુસ્તકોના અભ્યાસક્રમમાં મુસ્લિમોની લાગણી દુભાવતા લેખો લખવામાં આવેલા છે, તે માટે તાત્તાલીક અસરથી ઘટતુ કરવાની માંણી આજે સુરત પધારેલા રાષ્ટ્રીય લઘુમતિ કમિશનના સમય કે.કે.દસ્તુર સમક્ષ જમીયત ઉલમાએ હિન્દના પ્રમુખ મૌલાના અર્સદ મીર દ્વારા કરવામાં આવતા જ નવા વરાયેલા કમિશનના સભ્ય દસ્તુરએ તાત્કાલીક રજૂઆત કરી ઘડતુ કરવા આશ્વાસન આપ્યું હતું.
સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સુરતના તમામ લઘુમતિ કોમના આગેવાનોને મળવા અને વડાપ્રધાનના કાર્યક્રમને લઇને આવેલા રાષ્ટ્રીય લઘુમતિ કમિશનના સભ્ય કે.કે.દસ્તુર સમક્ષ જમીઅત ઉલમાએ હિંદના સુરતના પ્રમુખ મૌલાના અર્સદ મીરએ રજૂઆત કરતા જણાવેલ કે, લઘુમતિ ઉપર અને ખાસ કરીને મુસ્લિમો ઉપર ગુજરાતમાં કેટલીક ભગીની સંસ્થાના કટ્ટરપંથીઓ દ્વારા યેનકેન પ્રકારે ખોટી રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. તેની નોંધ રાષ્ટ્રીય લઘુમતી કમિશન પંચે નોંધવી જોઇએ અને તેનો વિરોધ નોંધાવવો જોઇએ. પરંતુ તેવું થતું નથી તેથી આવા તત્વો બેફાન બની ગયા છે. હવે આવા કટ્ટરપંથીઓ કેટલાક શિક્ષામા પણ બેસી ગયા છે. દરમિયાન હાલમાં જ ગુજરાત રાજ્યના શાળાના પુસ્તકોના અભ્યાસ ક્રમમાં જીજેસ ક્રાઇસ માટે વિલન જેવા શબ્દો લખેલ છે, અને અઝાન માટે પ્રોલ્યુશન ક્રીએટ કરનાર તરીકે તથા રોઝા માટે કેટલાક રોગ ઉત્પન્ન કરનાર તરીકે વર્ણનવામાં આવ્યું છે.તેનાથી મુસ્લિમોની લાગણી દુભાઈ છે. તે માટે મૌલાના અર્સદ મીરે પ્રોફેક્ટ પયગમ્બર નબીએ કરીમ (સલ્લલાહો અલયહે વસલ્લમ)ના કેટલાક દ્રષ્ટાંત પણ આપ્યા હતા.માટે રાજ્યના પુસ્તકોમાંથી તાત્કાલિક આવા સીલેબર્સમાંથી શબ્દો દુર કરવામાં આવે તેવી લાગણી અને માંગણી કમિશનના પંચ સમક્ષ કરતાં કે.કે.દસ્તુરે નોંધ લઇ ઘટતુ કરવાં આશ્વાસન આપ્યું હતું.