(એજન્સી)
નવી દિલ્હી, તા. ર૯
પૂણે પોલીસે માઓવાદીઓ સાથે સંપર્ક રાખવાના સંદેહ હેઠળ વિવિધ રાજ્યોમાં કેટલાક લોકોના ઘર તેમજ વિવિધ સ્થળોએ છાપેમારી કરી અને બે ડાબેરી કાર્યકર્તાઓ વરવર રાવ અને સુધા ભારદ્વાજની આજે ધરપકડ કરી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગત વર્ષે ૩૧ ડિસેમ્બરના રોજ થયેલ ભીમા-કોરેગાંવ હિંસાના સંબંધમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે વરવર રાવ, સુધા ભારદ્વાજ, ગૌતમ તબલખા, અરૂણ ફરેરા, વર્નોન ગોન્જાલ્વિસની ધરપકડ કરી છે.
૧૯પ૭થી કવિતાઓ લખી રહેલા રાવ ક્રાંતિકારી લેખક સંગઠન વીરાસમના સંસ્થાપક છે. ૧૯૭૩માં આંતરીક સુરક્ષા કાયદા (મીસા) હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ-૧૯૮૬ના રામનગર કાંડ સહિત અલગ-અલગ મુદ્દે તેમની ૧૯૭પ અને ૧૯૮૬ વચ્ચે અનેકવાર ધરપકડ અને મુક્તિ થઈ. લગભગ ૧૭ વર્ષ બાદ ર૦૦૩માં તેમને રામનગર કાંડમાંથી મુક્ત કર્યા. ૧૯ ઓગસ્ટ-ર૦૦પના રોજ આંધ્રપ્રદેશ લોક સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તે આરોપને હટાવી દેવામાં આવ્યો હતો અને રાવને અન્ય તમામ કેસમાં જામીન મળી ગઈ. અરૂણ ફરેરા મુંબઈના રહીશ નાગરિક અધિકાર કાર્યકર્તા છે જેમને ર૦૦૭માં પ્રતિબંધિત ભાકપા (માઓવાદી)ની પ્રચાર અને સંચાર શાખાના નેતા ગણાવવામાં આવ્યા હતા. ર૦૧૪માં તેમને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા. તેમણે પોતાના પુસ્તક ‘ક્લર્સ ઓફ ધ કેજ : અ પ્રિઝન મેમોયરમાં ફરેરાએ જેલમાં પસાર કરેલ લગભગ પાંચ વર્ષનો અહેવાલ લખ્યો છે.
સુધા ભારદ્વાજ છત્તીસગઢમાં પોતાના કાર્ય માટે જાણીતા છે. તેમણે ર૯ વર્ષ સુધી રાજ્યમાં છત્તીસગઢ મુક્તિ મોર્ચાના સભ્ય તરીકે ભિલાઈમાં ખનન શ્રમિકોના અધિકારો માટે લડત આપી. તેણી પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તરપ્રદેશમાં શ્રમિકોની દયનીય પરિસ્થિતિને સુધારવા કાર્ય કરી ચૂક્યા છે. નાગરિક અધિકાર કાર્યકર્તા તેમજ વકીલ સુધા જમીન અધિગ્રહણ વિરૂદ્ધ પણ લડત આપી ચૂક્યા છે અને હવે તે પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝની છત્તીસગઢ શાખાના મહાસચિવ છે.
સુઝેન અબ્રાહમ એક નાગરિક અધિકાર કાર્યકર્તા છે અને ભીમા-કોરેગાંવ હિંસાના સંદર્ભે પોલીસે કરેલ ધરપકડોમાં તેમણે અનેક લોકોની વકીલાત કરી હતી. સામાજિક કાર્યકર્તા વર્નોન ગોન્જાલ્વિસના પત્ની સુઝેનએ કાર્યકર્તાઓને આપવામાં આવેલ સશ્રમ કરાવાસની સજા વિરૂદ્ધ ઘણુ લખ્યું છે અને તેને ‘બિનકાયદાકીય ગતિવિધિ નિરોધક કાયદાના દુરૂપયોગ’ તરીકે ઠરાવ્યો છે.
વર્નોન ગોન્જાલ્વિસને ન્યાય, સમાનતા અને આઝાદીના હિમાયતી ગણાવવામાં આવે છે. મુંબઈ વિશ્વવિદ્યાલયથી સુવર્ણપદક વિજેતા અને પૂર્વ લેકચરર વર્નોન પર સુરક્ષા એજન્સીઓનો આરોપ છે કે તે નકસલીઓની મહારાષ્ટ્ર રાજ્ય સમિતિના પૂર્વ સચિવ અને કેન્દ્રીય કમિટીના પૂર્વ સભ્ય છે તેમને લગભગ ર૦ કેસમાં આરોપી તરીકે દોષી ઠરાવવામાં આવ્યા હતા. પરંતુ પુરાવાના અભાવે તેમને મુક્ત કરવામાં આવ્યા. તેમણે ૬ વર્ષ જેલમાં પસાર કરવા પડ્યા.
ગૌતમ નવલખા દિલ્હીમાં રહેતા પત્રકાર છે અને પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઈટ્સ સાથે જોડાયેલ છે. તેઓ પ્રતિષ્ઠિત પત્રિકા “ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી”ના સંપાદકીય સલાહકાર છે તેમણે સુધા ભારદ્વાજ સાથે મળી ગેરકાયદેસર ગતિવિધિ નિરોધક કાયદાને દૂર કરવામાં આંદોલન કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આ કાયદાનો દુરૂપયોગ થઈ રહ્યો છે. છેલ્લા ર વર્ષથી સતત કાશ્મીરની મુલાકાત લઈ રહેલ નવલખાએ કાશ્મીરમાં માનવ અધિકારોના હનન અંગે ઘણા અહેવાલો લખ્યા છે.
અન્ય એક કાર્યકર્તા આનંદ તેલનબુકે ઈજનેર, એમ.બી.એ પદવી ધારક પૂર્વ સીઈઓ અને દલિત અધિકારોના લડવૈયા તરીકે જાણીતા છે. તેમણે જન આંદોલનો પર પુસ્તકો લખ્યા છે. ફાધર સ્ટન સ્વામી વિસ્થાપન વિરોધ જનવિકાસ આંદોલનની સ્થાપના કરી હતી. સ્વામી એ ર૦ લોકોમાં સામેલ હતા જેમની વિરૂદ્ધ રાજદ્રોહનો મામલો દાખલ કરવામાં આવ્યો હતો. ‘નમસ્તે તેલંગાણા’ના પત્રકાર ક્રાંતિ ટેકલા પણ આ લડત સાથે જોડાયેલા છે.