ઝારખંડ : ૧૩ ભેંસોની ચોરીની શંકામાં ટોળા દ્વારા બે વ્યક્તિને મારમારી મોતને ઘાટ ઉતારાઈ

(એજન્સી) રાંચી, તા. ૧૩
ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં બુધવારે સવારે ટોળા દ્વારા બે વ્યક્તિને ભેંસોની ચોરીની શંકામાં પકડીને નિર્દયી રીતે માર માર્યા બાદ બંને મુસ્લિમ વ્યક્તિ મોતને ભેટી હતી. આ ઘટનામાં પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી છે અને તેમની સામે હત્યાનો કેસ નોંધ્યો છે. બીજી તરફ આરોપીઓએ અજાણ્યા લોકો વિરૂદ્ધ ભેંસો ચોરી કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે, પીડિતોનો ઇતિહાસ પશુ ચોરી કરવાનો છે અને તેઓ આ પ્રવૃત્તિમાાં સામેલ હોવાનું જાણવા મળેલ છે. પોલીસ અનુસાર ગોડ્ડાના દેવડંડ અને સુંદર પહાડીની સરહદ પર આવેલા બાનકટ્ટી ગામમાં સવારે આ ઘટના બની હતી. દુમકાના ડીઆઇજી અખિલેશકુમાર ઝાએ જણાવ્યું હતું કે, ઘટનામાં પ્રથમ દૃષ્ટીએ સંડોવણી બદલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પીડિતો ગામમાંથી ભેંસો ચોરીને લઇ જઇ રહ્યા હતા ત્યારે તેઓને ગામલોકોએ પકડી પાડ્યા હોવાનું કહેવાઇ રહ્યું છે. ઘટનામાં વધુ તપાસ ચાલી રહી છે. ઝાએ જણાવ્યું હતું કે, પીડિતોના મૃતદેહોની તાલિઝારી ગામના મુમતાઝ અન્સારી અને બાંઝી ગામના ચારકુ અન્સારી તરીકે ઓળખ થઇ છે. બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ગોડ્ડાના એસપી રાજીવ રંજન સિંહે જણાવ્યું હતું કે, દેવડંડ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં પાંચ લોકો ઘુસી આવ્યા હતા અને ડઝન જેટલી ભેંસો ચોરી કરી હતી. તેઓ ત્યાંથી આશરે ૨-૩ કિલોમીટર દૂર બંકાટી ગામ સુધી પહોંચવામાં સફળ થયા હતા જ્યાં ગામલોકોએ તેમને ઘેરી લીધા હતા. ત્યારબાદ બંકાટી ગામના ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા. તેઓએ ભેંસોને કબજે લઇ લીધી હતી અને તેમને માર મારવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન બાકીના ત્રણ લોકો ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જોકે, ગામલોકોએ પકડાયેલાઓને ક્રૂરતાપૂર્વક માર મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. રંજને જણાવ્યું હતું કે, આ ઘટનામાં બે કેસ નોંધાયા છે જેમાં એક હત્યાનો અને બીજો ભેંસો ચોરવાનો કેસ છે. પીડીતો જે સ્થળે ઘટના બની ત્યાંથી ૩૦-૪૦ કિલોમીટર દૂર રહેતા હતા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઇ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks