(એજન્સી) જિદ્દાહ, તા.૧
ગૃહમંત્રાલયે જણાવ્યું કે સઉદીમાં થયેલા આતંકવાદી હુમલાઓ સાથે સંબંધિત આતંકવાદી સંગઠનના ૪૬ શંકાસ્પદ સભ્યોની સઉદીના સત્તાધીશોએ ધરપકડ કરી છે. મંત્રાયના પ્રવક્તાએ જણાવ્યું કે શંકાસ્પદોમાં ૩ર સઉદીઓ સહિત પાકિસ્તાન, યમન, અફઘાનિસ્તાન, ઈજિપ્ત, જોર્ડન અને સુદાનના કુલ ૧૪ સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે. શંકાસ્પદોની જિદ્દાહના હરાઝત જિલ્લામાંથી તથા નસીમમાંથી ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે ૪ જુલાઈ ર૦૧૬ના રોજ જિદ્દાહની ડો.સુલેમાન ફકીહ હોસ્પિટલના પાર્કિંગમાં થયેલા વિસ્ફોટ અને મદીનાના પયગમ્બરની મસ્જિદ બહાર આવેલા પોલીસ સ્ટેશન પર થયેલા આત્મઘાતી હુમલા પાછળ તેમનો જ હાથ હતો. મદીનામાં થયેલા હુમલાઓમાં ચાર પોલીસકર્મીઓનાં મોત થયા હતા જ્યારે અન્ય પાંચ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જિદ્દાહની ઘટનામાં આત્મઘાતી હુમલો કરનાર શખ્સે સુરક્ષાકર્મીનો સામનો કર્યો ત્યારે વિસ્ફોટ થઈ જતાં તેમાં ફક્ત તેનું જ મોત નિપજ્યું હતું. તપાસ દરમિયાન તે શંકા ઊભી છે કે હુમલાખોરનું નિશાન હોસ્પિટલ પાસે આવેલું યુએસનું વાણિજ્ય દૂતાવાસ હતું.