અમદાવાદ, તા. ર૮
છારાનગરમાં પોલીસે મહિલા અને પુરુષો પર કરેલા અત્યાચારને પગલે દલિત નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ છારાનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, પોલીસ છારાનગર અત્યાચાર મામલે દોષિત લોકો સામે કાર્યવાહી કરે, તેમજ જે પોલીસે નિર્દોષો પર અત્યાચાર કર્યો છે તેમની સામે કાર્યવાહી કરો અને ૩ સભ્યોની સીટ(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) બનાવવી જોઈએ. જો સરકાર આ વાત નહીં માને તો રસ્તા ઉપર ઉતરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરૂવારની રાત્રે છારા નગરમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. સરદાર નગર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પીએસઆઈ પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમણે એક વ્યક્તિનું એક્ટિવા ચેક કર્યું હતું, પરંતુ અંદરથી કંઈ મળ્યું નહીં. ત્યાર બાદ અમુક લોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો છુટ્ટાહાથની મારા મારી સુધી પહોંચ્યો હતો. જેમાં પીએસઆઈના હાથમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે કોન્સ્ટેબલના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેને પગલે પોલીસે મધરાતે છારા નગરમાં ઘુસીને મહિલાઓ અને પુરુષોને ઢોર માર મારીને ઘરના બારી-દરવાજા તથા વાહનો તોડી નાંખ્યા હતા. માત્ર એટલું જ નહીં, પોલીસે સીસીટીવી કેમેરાનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો.