ઉમર ખાલિદની જેમ મારા પર પણ ગોળીબાર થઇ શકે છે : મેવાણી

(એજન્સી)
નવી દિલ્હી, તા. ૩૧
ગુજરાતના વડગામ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ વડાપ્રધાનની હત્યાના કહેવાતા માઓવાદી કાવતરાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના ઘટી રહેલા ગ્રાફ પરથી લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા માટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર પોલીસ વચ્ચેની એક સાઠગાંઠ ગણાવ્યું છે. મેવાણીને એવું પણ લાગે છે કે જેએનયુના નેતા ઉમર ખાલિદની જેમ તેમના પર પણ ગોળીબાર થઇ શકે છે. ઇન્ડિયા ટુડે ટીવીને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં મેવાણીએ જણાવ્યું કે જ્યારે પણ મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે આવે છે તો લોકો તેમની હત્યા કરવાનું કાવતરૂં ઘડે છે. મેવાણીએ એવો પ્રશ્ન પણ કર્યો કે મોદીને શા માટે સહાનુભૂતિની જરૂર છે ? કહેવાતું માઓવાદી કાવતરૂ દિલ્હી સાથેની સાઠગાંઠથી મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ઘડી કાઢવામાં આવ્યું છે. પોલીસે ભીમા કોરેગાંવની પહેલી જાન્યુઆરીની હિંસા માટે પાંચ કાર્યકરો – વરાવરા રાવ, ગૌતમ નવલખા, સુધા ભારદ્વાજ, અરૂણ ફેરેરા અને વર્નોન ગોન્ઝાલ્વિસની ધરપકડમાં વડાપ્રધાન મોદીની હત્યાનું ભયંકર કાવતરૂ પકડી પાડ્યું છે. તપાસ એજન્સીઓ આ કાવતરાના કોઇ પણ પુરાવા ઉભા કે મેળવી શકી નથી. રાજીવ ગાંધીની હત્યા જેવો મોદી પર હુમલો કરવાનું કાવતરૂ ઘડવાનું દર્શાવતો અને જૂનમાં દિલ્હી સ્થિત કાર્યકર રોના વિલ્સનના નિવાસેથી મળેલો પત્ર ઘડી કાઢવામાં આવ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે નોકરીઓ ઓફર કરવા માટે મોદી પાસે કશું જ નથી અને આત્મહત્યા કરતા ખેડૂતોને કેવી રીતે બચાવવા, તેના માટે મોદી પાસે કોઇ પગેરૂં નથી. આ પત્ર મોદીની હત્યાના કાવતરાનો કોઇ પુરાવો નથી. કાવતરા અંગે કોઇ પુરાવા નથી. તેમણે એવું પણ કહ્યું કે કોઇ પણ કાળો કાયદો રદ થવો જોઇએ.

કાર્યકરોની ધરપકડો દલિત ચળવળને
બદનામ કરવાનો પ્રયાસ : જિજ્ઞેશ મેવાણી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
માનવ અધિકારોના ભંગ સામે લડત ચલાવનારા કાર્યકરોની કરવામાં આવેલી ધરપકડ વાસ્તવિક મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા અને દલિત આંદોલનને બદનામ કરવાનો સરકારનો એક પ્રયાસ હોવાનું ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું છે. બુકર પુરસ્કાર વિજેતા અને કાર્યકર અરૂંધતી રોય સાથે નવી દિલ્હીમાં યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં મેવાણીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કહેવાતુ માઓવાદી કાવતરૂ લોકોની સહાનુભૂતિ મેળવવાનો એક પ્રયાસ છે. મહારાષ્ટ્ર પોલીસ દ્વારા તાજેતરમાં પત્રકારો, વકીલો અને કાર્યકરોની કરવામાં આવેલી ધરપકડ સામે વિરોધ નોંધાવવા માટે આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. મેવાણીએ એવું પણ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર સામે દલિતો આગામી પાંચમી સપ્ટેમ્બરે વિભિન્ન સ્થળોએ વિરોધ રેલીઓ યોજશે. દલિત ચળવળને નક્સલવાદનો બટ્ટો લગાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મેવાણી અને અરૂંધતી રોય સાથે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ, કાર્યકરો અરૂણા રોય અને વિલ્સને મીડિયાને સંબોધ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts