(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૧
રાજકારણમાં ભાજપ કોગ્રેસ એક બીજાના કટ્ટર દુશ્મન છે પરંતુ ભાજપ ચૂંટણીની રણનીતિમાં કોગ્રેસનાં નકશે કદમ પર ચાલી રહ્યો છે. કોગ્રેસની જેમ ભાજપે પણ વિધાનસભા હારેલાઓને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે નિરીક્ષક બનાવ્યા છે. લોકસભા ચૂંટણી માટે ભાજપે નિરીક્ષકોની નિમણૂંક કરી દીધી છે. ગત લોકસભાની ચૂંટણી વખતે ભાજપે ગુજરાતની ૨૬ બેઠક અંકે કરી લીધી હતી. તે વખતે મોદી લહેર હોવાના દાવા કરી ભાજપે ગુજરાતની તમામ બેઠક પર જીત મેળવી લીધી હતી. ત્યારે કોગ્રેસ ખાતું પણ ખોલાવી શકી ન હતી. પરંતુ વર્ષ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસના શાનદાર પ્રદર્શનને લીધે ભાજપ ૯૯ સીટો સુધી જ પહોંચી શકી હતી. જેમાં તત્કાલિન નેતા શંકર ચૌધરી, રમણલાલ વોરા સહિત મોટા માથાઓને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ત્યારે વિધાનસભાની ચૂંટણી હારી ચૂકેલા નેતાઓને ભાજપે ચૂંટણી જીતવા નિરીક્ષકોના રૂપમાં વિવિધ જિલ્લાની જવાબદારી સોંપી છે. જેમાં અમદાવાદ પૂર્વ બેઠક માટે શંકર ચૌધરી, જામનગર માટે રમણલાલ વોરા, અમદાવાદ પશ્રિમમાં શબ્દશરણ બ્રહ્મભટ્ટ, વડોદરા માટે જયનારાયણ વ્યાસ, જૂનાગઢ માટે ચીમન સાપરિયા, નવસારી માટે છત્રસિંહ મોરી, ખેડા માટે જયસિંહ ચૌહાણ અને સુરત માટે ભરત બારોટની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂંક કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં લોકસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે પણ નિરીક્ષકોની નિમણૂંક કરી હતી. તેમાં વિધાનસભા હારેલા ઉમેદવારોનો સમાવેશ કર્યો હતો. ત્યારબાદ હવે ભાજપે પણ નિરીક્ષકોની નિમણૂંકમા કોંગ્રેસનો માર્ગ અપનાવ્યો છે. એટલે વિધાનસભા હારેલાને ભાજપ-કોંગ્રેસે લોકસભા જીતવાની જવાબદારી સોંપી છે. ત્યારે પરિણામ કેવું આવશે તે જોવું રહ્યું.