(સંવાદદાતા દ્વારા) માંગરોળ,તા.૨૯
માંગરોળ તાલુકાના કાલેજ ગામે રહેતી એક વિધવા મહિલા ઉપર તેની સાથે જ રહેતા પ્રેમી યુવકે રૂપીયા બાબતે ઝઘડો કરી મહિલાનું ગળુ દબાવી કેરોસીન છાંટી જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે.
માંગરોળથી ૧૯ કિ.મી. દુર કાલેજ ગામે રહેતી ભાવનાબેન ગોપાલભાઈ બાલસ (ઉ.વ.૩૨) નામની મહિલાના પતિનું પાંચ વર્ષ અગાઉ કેન્સરની બિમારી સબબ મોત થયું હતું અને મહિલાને મીત નામનો ૯ વર્ષનો પત્ર પણ છે.
ભાવના બેનના પતિની ગામમાં સાડા નવ વિઘા જમીન પણ છે. તેના કામમાં મદદરૂપ થવા ચંદવાણા ગામનો કોળી દિનેશ ઉકાભાઈ રાઠોડ સાથે ચાર વર્ષ અગાઉ પરીચય થયો હતો. અને તે છેલ્લા બે વર્ષથી વિધવા ભાવનાબેનના સાથે રહેતો હતો. દરમિયાન આ વિધવા મહિલાને પાક વિમાના બેંકમા રૂપિયા આવેલા હોય તે રૂપિયા દીનેશે ઉપાડી લાવવાનું દબાણ કરેલ પરંતુ ભાવનાબેન રૂપિયા ઉપાડવાનો ઈનકાર કરતા દિનેશે ભાવનાબેન સાથે ઝઘડો કરી ગળુ દબાવી દઈ જાનથી મારી નાખવાનો પ્રયાસ કરેલ ત્યારબાદ ભાવનાબેન પર કેરોસેન છાંટી દીવાસળી વડે આગ ચાંપી દેતા મહિલાના શરીરે પેટના ભાગે, મોઢા ઉપર હાથ પગમાં ગંભીર રીતે દાઝી ગયા હતા. ભાવનાબેનને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાય હતી.
આ બનાવ અંગે મહિલાએ આરોપી દીનેશ ઉકા રાઠોડ સામે ફરિયાદ નોંધાવતા શીલ પોલીસના પીએસઆઇ પી.જે.બોદરે આરોપીની ૩૦૭ અંતર્ગત ધરપકડ કરી માંગરોળ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે દિનેશને જેલ હવાલે કર્યા છે.