જો અલ્પેશ ભાજપ સાથે ભળશે તો ઠાકોર સમાજ તેને છોડશે ?

અમદાવાદ, તા.૧૩
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે કયા પક્ષમાં જોડાવું તે માટેનો જનાદેશ મેળવવા મિસકોલ કરોની ઝુંબેશ શરૂ કરી હતી ત્યારે જો અલ્પેશ ઠાકોર ભાજપ સાથે જોડાશે તો ઠાકોર સમાજની નારાજગી વહોરવી પડે તેમ છે. આ નારાજગીને લીધે ઠાકોર સમાજ અલ્પેશ સાથે છેડો ફાડી દે તો નવાઈ નહીં. દારૂબંધી-બેરોજગારી અને શિક્ષણના મુદ્દે આંદોલન છેડનાર અલ્પેશ ઠાકોર હવે ખેડૂત આંદોલન તરફ જઈ રહ્યા છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી સામે છે ત્યારે તેમણે પોતાના સમર્થકો પાસે કયા રાજકીય પક્ષ સાથે જોડાણ કરવું જોઈએ અથવા નવો પક્ષ બનાવવો જોઈએ, તે અંગે મત માગ્યો છે. પાટીદાર આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલ કોંગ્રેસ તરફ જાય છે તેવું લગભગ નક્કી છે. પરંતુ હજી પણ અલ્પેશ પોતાનો ઝુકાવ કોની તરફ છે તે સ્પષ્ટ કરતા નથી. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્પેશ ભાજપના નેતાઓ સાથે બેઠક અંગે ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને અલ્પેશ સાથેની વાટાઘાટો ફળદાઈ રહે તેવી પણ સંભાવના છે. આ તબક્કે ભાજપના મતોનું વિભાજન થાય, અલ્પેશ ઠાકોર છેલ્લા પાંચ વર્ષથી ઠાકોર સમાજમાં શિક્ષણ અને દારૂબંધીના મુદ્દે કામ કરી રહ્યા છે તેના કારણે ઠાકોર સમાજ પર તેમનું સારૂ એવું પ્રભુત્વ છે, આ સંજોગોમાં ભાજપ પાસે અલ્પેશ સાથે સમાધાન કર્યા વગર છૂટકો જ નથી. અલ્પેશ ઠાકોર ભાજપ સાથે ભળવાનો નિર્ણય લઈ રહ્યા છે તેવી જાણકારી મળતા ઠાકોર સમાજનો એક મોટો વર્ગ અલ્પેશથી નારાજ થયો છે. તેમનો મત છે કે, ઠાકોર સમાજે ભાજપને મત આપવો કે કોંગ્રેસને તે ઠાકોર સમાજે વ્યક્તિગત નિર્ણય લેવાનો છે. અલ્પેશ આખા સમાજનો નિર્ણય લઈ શકે નહીં પરંતુ જો અલ્પેશ ભાજપમાં જવાનો નિર્ણય કરશે તો ઠાકોર સમાજે અલ્પેશ સાથે છેડો ફાડી નાખવો પડશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks