(એજન્સી) લખનઉ, તા.૧ર
નવરાત્રી શરૂ થવાના આડે ગણતરીના દિવસો બાકી છે એ દરમિયાન વારાણસીની દુર્ગાપૂજા સોસાયટીઓએ અલ્હાબાદ હાઈકોર્ટમાં પ્રતિમાઓ ગંગામાં વિસર્જન કરવાની પરવાનગી આપવા ફરીવાર માગણી કરી છે. પણ આ વખતે એમણે ખૂબ જ વેધક અને વિવાદિત દલીલ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી છે. એમણે કહ્યું છે કે જો મુસ્લિમો દ્વારા બકરી ઈદના દિવસે કુર્બાની અપાયેલ પશુઓનો લોહી ગંગામાં વહેવડાવવાની પરવાનગી અપાય છે. તો પછી અમને ગંગામાં પ્રતિમાઓના વિસર્જનની માગણી કેમ અપાતી નથી.
સાર્વજનિક દુર્ગાત્સવ સમિતિ અને કેન્દ્રીય પૂજા સમિતિએ જાહેર હિત અરજી દાખલ કરી આ પ્રકારની માગણી કરી છે. એમણે કહ્યું છે કે જે લાખો લિટર લોહી ગંગામાં વહેવડાવવામાં આવે છે એની ટ્રીટમેન્ટ પણ કરાતી નથી જેથી એ ફક્ત નુકસાનકારક જ નથી પણ એનાથી બીમારીઓ ફેલાવવાની શક્યતાઓ પણ વધી જાય છે. જો કે અરજીમાં કુર્બાની ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી નથી કરાઈ. ર૦૧૪ના વર્ષમાં અલ્હાબાદ હાઈકોર્ટે ગંગામાં પ્રતિમાઓના વિસર્જન ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. પણ ર૦૧પના વર્ષમાં હિન્દુઓ અને સરકાર વચ્ચે સંઘર્ષ ચાલુ જ હતું અને કટ્ટરવાદી હિન્દુઓ કોર્ટના આદેશની અવગણના કરી મૂર્તિઓને ગંગામાં વિસર્જનની માગણી કરતા હતા. અરજદારોએ વધુમાં જણાવ્યું છે કે સુએજ લાઈન દ્વારા લોહી ગંગામાં વહેવડાવવામાં આવે છે. એવું જણાય છે કે ફક્ત અમારી મૂર્તિઓ જ ગંગાને દૂષિત કરે છે. જો મૂર્તિઓના વિસર્જન ઉપર પ્રતિબંધ મૂકાય છે તો પશુઓની કતલ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. અમારી માગણી ગંગામાં મૂર્તિઓના વિસર્જન માટે છે જે મૂર્તિઓ માટી અને કલરની બનેલ છે અને એ ફક્ત વર્ષમાં એક જ વખત કરાય છે જ્યારે પશુઓની કતલ તો વર્ષ દરમિયાન થાય છે નહીં કે ફક્ત બકરીઈદના દિવસે. દુર્ગા પૂજા મેનેજરોએ ફક્ત કોર્ટનો જ આશરો નથી લીધો પણ આ બાબત મુખ્યમંત્રી યોગી સમક્ષ પણ રજૂઆતો કરી છે. અરજીમાં જણાવ્યું છે કે હિન્દુઓને મૂર્તિ વિસર્જનની પરવાનગી આપવામાં આવે જેથી કોમી એખલાસ જળવાઈ રહેશે. અન્યથા હિન્દુઓનો ભારતના બંધારણની વિશ્વાસ ઉડી જશે. ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. ઘણી બધી કોમો ભારતમાં રહે છે અને એમને એમના ધર્મ મુજબ વર્તન કરવાની છૂટ છે પણ હિન્દુઓને જ નહીં જેમનો સમગ્ર દેશ છે.