જો સરકાર ૬૮ ગામોનું જાહેરનામું રદ નહીં કરે તો ચૂંટણીમાં જવાબ મળી જશે

અમદાવાદ,તા.ર૭
અમદાવાદ જિલ્લાના રપ ગામો અને કડી અને કલોલ તાલુકાના ૪૩ ગામો મળી કુલ ૬૮ ગામોમાં મુખ્યત્વે ઠાકોર, માલધારી અને દલિત સમાજની વસ્તી હોવાથી ઝોનિંગમાં ફેરફાર કરવાનું જાહેરનામું રદ કરાતું નથી પરંતુ સરકાર જાણી લે કે ખેડૂતોના મતની કિંમત પણ ઉદ્યોગપતિઓના મત જેટલી જ છે આથી જાહેરનામું રદ નહી કરાય તો આગામી ચૂંટણીમાં ખેડૂત સમાજ જવાબ આપી દેશે. ખેડૂત સમાજ, ગુજરાતના મહામંત્રી સાગર રબારીએ એક યાદીમાં જણાવ્યું છે કે હાલની સરકારે સુડા, જૂનાગઢ, રાજકોટ, મોરબી, વાંકાનેર જેવા વિસ્તારો, જયાં ખેડૂતો પ્રમાણમાં વધુ શિક્ષિત અને ઉચ્ચ સમાજોના હોવાને કારણે એમની વાત તરત સાંભળી બહાર પાડેલા જાહેરનામાં તરત જ રદ કર્યા છે. જયારે અહી ર૦૦૯માં જાહેરનામું બહાર પાડયું હોવા છતા, ખેડૂતોનો વિરોધ છતાં તત્કાલિન શહેરી મંત્રીએ એમને સાંભળવાને બદલે વાતને આડા પાટે ચડાવવાનો પ્રયત્ન કર્યો છે. જાહેરનામું રદ કરવાને બદલે, જાણે કઈ બન્યું જ નથી, કોઈ વિરોધ કરતું જ નથી. એવો માહોલ ઉભો કરવાનો સરકાર પ્રયત્ન કરી રહી છે. પરંતુ આ વિસ્તારના ખેડૂતો સમજે છે કે એમના એક મતની કિંમત ઉદ્યોગપતિના મત જેટલી જ છે. જરાય ઓછી નથી, હાલ આ વિસ્તારનાં તમામ ગામોના પ્રવેશ દ્વારે બોર્ડ લગાવવાની કામગીરી ચાલુ છે. સરકાર નહીં જ સાંભળે તો આગામી ચૂંટણીમાં, જયારે સરકારે લોકોના બારણે બારણે મત માગવા આવવું પડશે ત્યારે જનતા એવો જ પ્રતિભાવ આપશે જેવો સરકારે એમને આપ્યો છે. ગામે ગામ સમિતિઓ બની રહી છે. વિરોધ વધતો જાય છે આગામી સમયમાં તમામ ગામોના પ્રતિનિધિઓને સમાવતી સમિતિ બનશે. સૌને સાથે લઈ જાહેરનામું રદ થાય ત્યાં સુધી આંદોલન ઉગ્ર બનાવશે. અર્ધશિક્ષિત કે પછાત હોવાથી નાગરિક મટી જતા નથી. સરકાર ઉપર જેટલો અધિકાર ઉદ્યોગપતિઓનો છે એટલો જ અધિકાર ગ્રામીણ જનતાનો છે એ વાત સરકારે સ્વીકારવી પડશે અને આ વિસ્તારની જનતા સાથે ન્યાય કરવો પડશે. જાહેરનામું રદ કરવું જ પડશે. આ એ જ વિસ્તાર છે જયાં સરકારે માનીતાઓની તરફેણમાં ઝોનિંગમાં ફેરફાર કરીને એમને કરોડપતિ બનાવ્યા છે જયારે બીજી બાજુ સ્થાનિક ખેડૂતોને જાહેરનામા થકી ગુલામ બનાવ્યા છે. અહીંના ખેડૂતો સરકારની અન્યાયી ગુલામી હરગીજ સ્વીકારવાના મુડમાં નથી, લડી લેવાના મુડમાં છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks