(એજન્સી) બૈરૂત, તા.૧૩
દક્ષિણ સીરિયામાં જોર્ડનની સરહદ નજીક આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા ર૩ વિદ્રોહી લડાકુઓનાં મોતના સમાચાર મળ્યા છે જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું કે, આત્મઘાતી હુમલાખોરોએ નસીબ સરહદ નજીક પારગમન પાસે જૈશ અલ- ઈસ્લામ દ્વારા ઉપયોગમાં લેવાતી છાવણી પર શુક્રવારે વિસ્ફોટક બેલ્ટથી વિસ્ફોટ કર્યો હતો.
નિરીક્ષણ સમૂહના પ્રમુખ રમી અબ્દુલ રહેમાને કહ્યું કે માર્યા ગયેલા ર૩ વિદ્રોહીઓમાં મોટાભાગના જૈશ અલ- ઈસ્લામના લડાકુ હતા. ડઝનેક લોકો ઘાયલ પણ થયા છે. જેમાંથી ર૦ની સ્થિતિ ગંભીર જણાવાઈ છે. જો કે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈએ સ્વીકારી નથી પરંતુ ઈસ્લામિક સ્ટેટ સંગઠન સાથે જોડાયેલા જેહાદીઓએ દક્ષિણ સીરિયામાં વિદ્રોહીઓ પર હુમલા કરી નસીબ સરહદે પારગમન પર એપ્રિલ ર૦૧પમાં વિદ્રોહી સમૂહોએ કબજો કરી લીધો હતો. જો કે અગાઉ એક અન્ય ઘટના મુજબ સીરિયાની સરહદે અમેરિકા દ્વારા કરાયેલા હવાઈ હુમલામાં ઈરાક સરકાર દ્વારા સમર્થિત શિયા અર્ધ સૈનિક દળ અલ-હશદ અલ-શાબીના ૪૦ લડાકુનાં મોતના સમાચાર મળ્યા હતા. શિયા અર્ધ સૈનિક દળે મંગળવારે આ ઘટનાની જાણકારી આપી છે અને કહ્યું હતું કે હુમલો કરનારા લોકો સજાથી બચી નહીં શકે. ઈરાકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ હુમલાના પરિણામ સ્વરૂપે અમેરિકી દળો જવાબદાર છે. ઈરાક સરકારે આ હુમલાની તપાસ કરાવવાની માગણી પણ કરી છે.