(એજન્સી)
વિજયવાડા, તા.ર૩
સુપ્રીમ કોર્ટના પૂર્વ નિવૃત્ત જજ જે. ચેલમેશ્વર જેમણે સીજેઆઈ દીપક મિશ્રા વિરૂદ્ધ બળવાની આગેવાની લીધી હતી એમણે કહ્યું છે કે જ્યારે તમે વિરોધ કરી અવાજ ઉઠાવતા હો અને તમને તે વખતે ‘રાષ્ટ્ર વિરોધી’ પણ કહેવામાં આવે તો પણ તમે અવાજ ઉઠાવો જો તમે ભયના લીધે અન્યાય સામે અવાજ નહીં ઉઠાવશો તો એ લોકશાહીની આત્મા વિરૂદ્ધ છે.
રવિવારે ચેલમેશ્વરે પૂર્વમંત્રી વેડ્ડે સોભાનંદરી સ્વરા રાવ લિખિત પુસ્તકનો વિમોચન કરી રહ્યા હતા જે દરમિયાન સંબોધન કરતા એમણે કહ્યું કે, ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં જે લોકો સરકારનો વિરોધ કરતા હતા એમને સીઆઈએના એજન્ટો કહેવાતા હતા. ૧૯૯૦માં વૈશ્વિકરણ પછી વિરોધીઓને સીઆઈએ એજન્ટ કહેવાનું બંધ કર્યું હતું. આજે જે કોઈ સરકાર સામે અવાજ ઉઠાવે છે એમને દેશવિરોધી કહેવામાં આવે છે.
જો કે આ પ્રથા ફક્ત આપણા દેશ સુધી મર્યાદિત નથી પણ સમગ્ર દુનિયામાં પ્રવર્તી રહી છે. બધા રાજકીય પક્ષો અહિંયા અથવા વિશ્વમાં ક્યાંય પણ આ જ પ્રકારનું વલણ ધરાવે છે એ વિચારે છે કે ફક્ત એ લોકો જ ખરા છે. જો એમના વિચારોનો વિરોધ કરવામાં આવે છે તો એ લોકો ઉપર હુમલાઓ કરવામાં આવે છે. પોતાનું અવાજ ઉઠાવવાની સરખામણી એમણે સ્ટીમ બાય સાથે કરતા જણાવ્યું કે, તમે લાંબા સમય સુધી સ્ટીમ બાય લો તો તમને ખબર જ નહીં પડે કે તમારી ચામડી ક્યારે ઉતરી ગઈ. પોતાનો અવાજ નહીં ઉઠાવવો એના જેવું જ છે. જ્યારે કંઈક ખોટું થઈ રહ્યું હોય અને જો કોઈ વ્યક્તિ એની સામે અવાજ નહીં ઉઠાવે તો એ ખોટું થવાનો ભોગ પહેલાં પોતે જ બનશે. એ માટે જાહેર મુદ્દાઓ બાબત પોતાના વિચારો નિર્ભયતાથી રજૂ કરવા જોઈએ પછી ભલે તમારા વિચારો બહુમતિ લોકોના વિચારોથી જુદા હોય.