જુગારધામ પર પોલીસની રેડ યુવકને ફટકારતાં મોત

(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૧૩
આણંદ તાલુકાના મોગર ગામે ચાલતા જુગારધામ પર રવિવારે પોલીસે છાપો મારી પકડાયેલા યુવકને બેફામ માર મારતા યુવકનું મોત નિપજતા મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ વાસદ પોલીસ મથક પર હલ્લાબોલ કરી યુવકને માર મારી મૃત્યુ નિપજાવનાર શખ્સો સામે હત્યાનો ગુનો નોંધવાની માગ કરી હતી, જો કે હાલમાં પોલીસે અપમૃત્યુની નોંધ કરી યુવકના મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે. મળતી વિગતો અનુસાર મોગર ગામે શ્રાવણિયો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે આજે વાસદ પોલીસે જુગારધામ પર છાપો મારી જુગાર રમતા કેટલાક શખ્સોને પકડ્યા હતા. જેમાં પોલીસે પકડાયેલા યાસીન નામના યુવકને માર મારતા યુવકને આંતરિક ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું. જેને લઈને મૃતક યાસીન અને તેના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ત્યારબાદ ગ્રામજનો અને મૃતકના પરિવારજનોએ વાસદ પોલીસ મથક પર જઈને ભારે હલ્લાબોલ કરી યુવાનને માર મારી મૃત્યુ નિપજાવનાર પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેઓની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી હતી. ગ્રામજનોએ હોબાળો મચાવતા નાયબ પોલીસ અધિક્ષક બી.ડી. જાડેજા, તેમજ લોકલ ક્રાઈમ બ્રાંચ અને એસઓજી પોલીસનો કાફલો પણ વાસદ ગામે દોડી ગયો હતો અને હલ્લો મચાવતા ગ્રામજનોને સમજાવ્યા હતા, જો કે પોલીસે હાલમાં તો અપમૃત્યુની નોંધ કરી છે અને મૃતક યુવાનના મૃતદેહનો પોષ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે. આ અંગે નાયબ પોલીસ અધિક્ષક બી.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે, પોષ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks