જામનગર : જુગારના ખોટા કેસમાં ફીટ કરનાર પોલીસકર્મી સામે કોર્ટમાં રાવ

જામનગર, તા.૧૧
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી સિદ્ધનાથ સોસાયટીમાં રહેતા એક આસામીને પાંચ દિવસ પહેલાં એક પોલીસકર્મીએ ઘરમાં ઘૂસી માર માર્યા પછી જુગારનો ખોટો કેસ કરી તેઓ તથા તેમના પુત્રને પોલીસ ચોકીએ લઈ જઈ માર માર્યાની અદાલતમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગરના કાલાવડ નાકા બહાર કસાઈના કબ્રસ્તાન નજીકની સિદ્ધનાથ સોસાયટીમાં રહેતા અને ત્યાં પાનની દુકાન ચલાવતા છોટાલાલ માવજીભાઈ પરમાર નામના આસામી ગઈ તા.પની રાત્રે પોતાના ઘરે સૂતા હતા ત્યારે તેમના ઘરે આવેલા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની દરબારગઢ પોલીસ ચોકીના પો.કો. સુખદેવસિંહ જાડેજાએ દરવાજો ખખડાવતા છોટાલાલે બારણું ખોલ્યું હતું. આ પછી ઘરમાં ઘૂસી ગયેલા છોટાલાલને પોલીસકર્મી સુખુભાએ જુગાર ક્યાં ચાલે છે ? તે કહે, નહીં તો તને જુગારમાં ફીટ કરીશું તેવી ધમકી આપી ફડાકા મારતા છોટાલાલના પત્ની મહાદેવીબેન અને પુત્ર દિવ્યેશ વચ્ચે પડ્યા હતા. આથી ઉશ્કેરાયેલા સુખુભાએ છોટાલાલ અને દિવ્યેશને જુગારના ખોટા કેસમાં ફીટ કરી પોલીસ ચોકીએ ખસેડ્યા પછી ચામડાના પટા વડે માર માર્યો હતો. ત્યાર પછી છોટાલાલ પાસે રૂા.૧પ હજારની માગણી કરી બીજા કેસોમાં પણ ફસાવવાની ધમકી આપતા બીજા દિવસે જામીન મુક્ત થયેલા છોટાલાલે જી.જી.હોસ્પિટલમાં સારવાર મેળવ્યા પછી જિલ્લા પોલીસવડાને આ બાબતે અરજી પાઠવી છે અને અદાલતમાં સુખુભા સામે ફરિયાદ નોંધાવતા અદાલતે આ કેસને રજીસ્ટરે લેવાનો અને તપાસ આદરવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત જામનગરના એસપીને ખુલાસો રજૂ કરવાનો હુકમ કર્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks