જૂના મોસુલ પર ઇરાકી સેનાએ સંપૂર્ણપણે કબજો જમાવ્યો

(એજન્સી) તા.૯
ઘણા લાંબા સમયથી ચાલી રહેલી ઇરાકી સેના અને આઇએસઆઈએસના આતંકવાદીઓ વચ્ચેની અથડામણ હવે સમાપ્ત થઇ ગઇ છે. ઇરાકી સેનાએ જૂના મોસુલ શહેર પર સંપૂર્ણપણે કબજો જમાવી લીધો છે. ઇરાકના સંયુક્ત ઓપરેશન કમાન્ડના પ્રવક્તા અને બ્રિગેડિયર જનરલ યાહ્યા રસુલે શનિવારે જાહેરાત કરી હતી કે જે વિસ્તારમાંથી જુલાઇ ર૦૧૪માં જ આઇએસઆઇએસના કુખ્યાત લીડર ઈબ્રાહીમ અલ સામરાઈ અબુ બકર અલ બગદાદીએ પોતાને ખલીફા જાહેર કર્યો હતો એવા સંપૂર્ણ રણનીતિક વિસ્તાર પર હવે ઇરાકી સૈનિકોએ સંપૂર્ણપણે કબજો જમાવી લીધો છે. ઇરાકના સંરક્ષણ મંત્રાલયના મીડિયા બ્યૂરોએ જણાવ્યું કે પશ્ચિમી મોસુલ વિસ્તારમાં કબજો કરવાના પ્રયાસ વખતે ઇરાકી સૈનિકોએ ૩પ જેટલા આઇએસઆઇએસના આતંકીઓને ઠાર માર્યા હતા અને લગભગ છથી વધુ આતંકીઓને ઘાયલ કરી દીધા છે. તેમણે જણાવ્યું કે ફેડરલ પોલીસફોર્સે તેનું કોમ્બેટ અભિયાન પણ પૂર્ણ કરી લીધું છે. આઇએસઆઇએસના આતંકીઓના ખિસ્સામાં બાકી રહેલા નુજૈફી સ્ટ્રીટ, અલ તૌબ અનેસોક અલ સાઘાના આજુબાજુના વિસ્તારોને પણ હવે સેનાઓ મુક્ત કરાવી ઇરાકી સેનાનો ઝંડો લહેરાવી દીધો છે. તમને જણાવી દઈએ કે ઇરાકી સેનાના સૈનિકો અને વોલેન્ટિયર લડાકુઓએ પોપ્યુલર મોબિલાઇઝેશન યુનિટની રચના કરી હતી. તેને અરેબિક ભાષામાં હસદ અલ શાબીની સેના તરીકે ઓળખવામાં આવી. આ સેનાએ ૧૭ ઓક્ટોબર ર૦૧૬ના રોજથી પશ્ચિમી મોસુલને આઇએસના આતંકીઓના કબજામાંથી મુક્ત કરાવવા માટે અભિયાન લોન્ચ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ઇરાકી સેનાએ જાન્યુઆરીમાં જ પૂર્વ મોસુલ પર ૧૦૦ દિવસની લડાઇ બાદ કબજો કરી લીધો હતો. ત્યારબાદ પશ્ચિમ મોસુલ પર કબજો કરવા માટે સેનાએ ૧૯ ફેબ્રુઆરીના રોજ નવું અભિયાન હાથ ધર્યો હતો. જ્યારથી આ અથડામણ ચાલી રહી છે ત્યારથી આજ સુધી લગભગ ૮૬ર૦૦૦ નાગરિકો વિસ્થાપિત થયા છે જ્યારે પૂર્વ મોસુલમાં મુક્ત કરાવી લેવાયેલા વિસ્તારોમાં લગભગ ૧૯પ૦૦૦ નાગરિકો પરત ફરી ગયા છે. જોકે પશ્ચિમ મોસુલથી ૬૩ કિમીના અંતરે આવેલા તલ અફર ખાતે ઇરાકી સેનાએ હવાઇ હુમલો કરતાં ડઝનેક આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધાના સમાચાર મળ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટોચના આતંકવાદી કમાન્ડરને પણ અલ હાવિજા જિલ્લામાં ઠાર મરાયો છે. આ વિસ્તાર કિરકુક શહેરથી ૪પ કિમીના અંતરે સ્થિત છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks