જૂનાગઢમાં કારની ટક્કર વાગતાં સ્કૂટર સવારનુંં ઘટનાસ્થળે મોત

જૂનાગઢ, તા.૧૭
જૂનાગઢ શહેરમાં મધુરમ બાયપાસ ગેટથી ઝાંઝરડા ચોકડી તરફ એક સ્વિફટ કારચાલકે એક્ટિવા સ્કૂટરચાલકને હડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧ વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય ૧ને ઈજા પહોંચતા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. અકસ્માત બાદ કાર પણ રોડ ઉપરથી ઉતરી ખાડામાં ફસાઈ ગઈ હતી. કારચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરના ઝાંઝરડા રોડ ખાતે રહેતા આનંદ જગદીશભાઈ પટ્ટણી (ઉ.વ.૩૭) અને અજય બન્ને એક્ટીવા નંબર જીજે૧૧ બીઈ-૪૩૬૭ લઈને મધુરમ બાયપાસ ગેટથી ઝાંઝરડા ચોકડી તરફથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સ્વિફટ કાર નં.જી.જે. ર૭ એએ ૧પ૪૮ના ચાલકે એક્ટિવા સ્કૂટરને હડફેટે લેતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આનંદ પટ્ટણીનું ઘટનાસ્થળે જ અરેરાટીભર્યું મૃત્યુ થયું હતું. જ્યારે તેમની સાથેના અજયને ઈજા પહોંચતા સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવેલ છે. અકસ્માત સર્જ્યા બાદ કાર રોડ ઉપરથી ઉતરીને ખાડામાં ખાબકી હતી. અકસ્માત સર્જી કારચાલક નાસી ગયો હતો. દરમ્યાન આ બનાવ અંગે નટવરલાલ જગદીશભાઈ પટ્ટણી રહે. ઝાંઝરડા રોડ, હરીઓમ નગર-૩ વાળા)એ સ્વિફટ કાર નં.જી.જે.ર૭ એએ ૧પ૪૮ વિરૂદ્ધ પોલીસમાં અકસ્માત કરી મોત નિપજાવવાની ફરિયાદ નોંધાવતા સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એન.રવૈયા દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks