જૂનાગઢ, તા.૧૮
જૂનાગઢ જિલ્લાની વિધાનસભાની પાંચ બેઠકો માટેનું પરિણામ જાહેર થતાં જિલ્લાની ૪ બેઠકો ઉપર કોંગ્રેેસના ઉમેદવારોનો ભવ્ય વિજય અને કેશોદ બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. આમ જિલ્લાની પાંચ બેઠકો પૈકી ચાર બેઠકો ઉપર કોંગ્રેસનો પંજો લહેરાયો હતો. જિલ્લાની વિવિધ બેઠકો ઉપર વિજેતા થયેલા ઉમેદવારોને તેમના ટેકેદારોએ હર્ષભેર આવકારી અને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત વિજેતા થયેલા ઉમેદવારોના વિજય સરઘસ વાજતે-ગાજતે નીકળ્યા હતાં.
આજરોજ સવારે કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી કેન્દ્ર ઉપર સવારના ૮ કલાકે જૂનાગઢ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડૉ. રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા મતગણતરી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને સૌપ્રથમ જૂનાગઢ જિલ્લાના કર્મચારીઓના બેલેટ પેપર ઉપર થયેલા મતદાનની ગણતરી થઈ હતી અને ત્યારબાદ ઈવીએમ મશીનથી મતગણતરી કાર્ય શરૂ થયું હતું. ખાસ કરીને જૂનાગઢની બેઠક ઉપર આ વખતે કોણ જીતશે ? તે અંગેનું લોકોને ભારે કુતુહલ હતું પ્રારંભિક તબક્કાથી જ જૂનાગઢની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોષી આગળ રહ્યાં હતાં અને ત્યારબાદ બપોરના સમયે મતગણતરી કાર્ય પૂર્ણ થયા બાદ જે પરિણામ જાહેર થયું છે. તેમાં ૮પ માણાવદરની બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાએ મુખ્ય સ્પર્ધક ભાજપના નીતિન ફળદુ સહિત ૮ ઉમેદવારોને પરાજીત કરી અને વિજયની હેટ્રીક સર્જી હતી. જ્યારે ૮૬-જૂનાગઢ વિધાનસભાની બેઠક ઉપરથી કોંગ્રેસના ભીખાભાઈ જોષી ૧૩ ઉમેદવારોને પરાજીત કરી અને વિજેતા બન્યા છે જ્યારે ૮૭ વિસાવદર વિધાનસભાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર હર્ષદભાઈ રીબડિયા ૯ ઉમેદવારોને પરાજીત કરી અને વિજેતા બન્યાં છે જ્યારે ૮૮-કેશોદ વિધાનસભાની બેઠક ઉપર ભાજપના દેવાભાઈ માલમ ૧૧ ઉમેદવારોને પરાજીત કરી અને વિજેતા બન્યાં છે જ્યારે ૮૯-માંગરોળ વિધાનસભાની બેઠક ઉપર કોંગ્રેસના બાબુભાઈ વાજાએ ૪ ઉમેદવારોને પરાજીત કરી અને વિજેતા બન્યાં છે.
માણાવદરની બેઠક પર જવાહર ચાવડાની ‘હેટ્રિક’
જૂનાગઢ, તા.૧૮
જૂનાગઢ જિલ્લાની ૮પ-માણાવદર વિધાનસભાની બેઠક ઉપર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાનો ફરી એકવાર જવલંત વિજય થતાં તેમના ટેકેદારોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. દરેક સમાજમાં ભારે લોકચાહના ધરાવતા જવાહર ચાવડાએ ફરી એકવાર જવલંત વિજય મેળવ્યો હતો. આ વિજયને પીડિત ખેડૂતોને તેમજ આમજનતાને સમર્પિત વિજય ગણાવ્યો હતો અને મતદારોએ તેમનાં ઉપર વિશ્વાસ મુકી ફરી એકવાર વિજેતા બનાવવા બદલ મતદારોનો આભાર માન્યો હતો અને લોકોના પ્રશ્ને કાયમ જાગૃત રહી અને જરૂરિયાતમંદ લોકોને ન્યાય અપાવવા લડત કરી અને તેઓનાં પ્રશ્ને અસરકારક રજૂઆત સાથે તેમને ન્યાય અપાવવાના પ્રયાસો કરવામાં આવશે તેવો કોલ પણ આ તકે ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ આપ્યો હતો.
કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ જોશીના વિજયમાં મુસ્લિમ મતો નિર્ણાયક બન્યા
જૂનાગઢ, તા.૧૮
જૂનાગઢ વિધાનસભાની બેઠક ઉપર પહેલેથી જ ભારે રસાકસી રહી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીએ તેમનું એક અત્યંત લોકપ્રિય સૂત્ર વહેતુ મુક્યું હતું જે ખૂબ જ જોરદાર સાબિત થયું હતું. આ સૂત્ર હતું “ઉપર ઈશ્વર-અલ્લાહ, નીચે ભીખા ગલા, ભગાવો ભાજપ કા બલ” જે લોક માનસમાં ક્લિક થઈ ગયું હતું. જેથી જૂનાગઢમાંથી ભાજપનાં શાસનનો અંત આવી ગયો છે. જ્યારે કોંગ્રેસજનમાં જૂનાગઢનાં મુસ્લિમ મતદારોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. મુસ્લિમોએ કોંગ્રેસ તરફી જોરદાર મતદાન કર્યું હતું. કેટલાક બુથ ઉપર ૭૦થી ૮૦ ટકા મતદાન થયું હતું. આમ મુસ્લિમોએ કોંગ્રેેસની જીતમાં જોરદાર ભાગ ભજવ્યો હતો.