જૂનાગઢમાં કારચાલકે સાઈકલ અને બાઈકને ટક્કર મારતાં એકનું મોત : બે ઘાયલ

(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.રપ
જૂનાગઢના દોલતપરા સ્થિત માર્કેટિંગ યાર્ડ પાસે ગત મોડી રાત્રીના ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક સાઈકલ અને બાઈક કાર અડફેટે આવી જતાં સર્જાયેલ જીવલેણ અકસ્માતમાં સાઈકલ ચાલકનું ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે બાઈક ચાલક બેને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ઈમરજન્સી સારવાર ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મળતી વિગત મુજબ દોલતપરા તરફથી આવતી જીજે ૦૧ એચએન ૩ર૯૪ નંબરની કાર માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થઈ હતી. ત્યારે એક સાઈકલચાલક અને બાઈકચાલક કાર અડફેટે આવી ગયા હતા. બાઈક અને સાયકલને અડફેટે લીધા બાદ કારચાલક બેકાબૂ બની ગયો હતો અને કાર રોડની સાઈડના સિમેન્ટ પિલ્લર ઉપર ચડી ગઈ હતી. આ અકસ્માતમાં વડાલ ગામના ડેનીશ કોટક અને યશ કોટકને ઈજા પહોંચી હતી જ્યારે સાઈકલ ચાલકને ગંભીર ઈજા થતા તેમનું પ્રાણ પંખેરૂં ઉડી ગયું હતું. સાઈકલનો કડુસલો બોલી ગયો હતો. લોકોમાં થતી ચર્ચા મુજબ બાઈક હજુ નવું જ હતું. સાંજના ૬ વાગ્યે શો રૂમમાંથી છોડાવીને લાવવામાં આવ્યું હતું. આ નવા નકોર નંબર પ્લેટ બાઈકને કારે અડફેટે લેતાં બંને યુવાનોને ઈજા પહોંચી હતી અને બાઈકને પણ નુકસાન પહોંચ્યું હતું. જ્યારે કાર ચાલકની બેકાબૂ બનેલી કાર રોડની સાઈડના સિમેન્ટના પિલ્લર ઉપર ચડી જતાં ત્યાં જ અટકી ગઈ હતી. જેમાં કારના બોનેટ સહિતના ભાગને નુકસાની પહોંચી હતી. જો કે અકસ્માત સર્જનાર કારચાલક જીજ્ઞેશ સપરિયાની લોકોએ કારમાંથી બહાર કાઢી ધોલાઈ કરી હતી. જેમાં તેને પણ ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ થતાં ઈમરજન્સી સારવાર ૧૦૮ મારફતે ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં દોલતપરા માર્કેટિંગ યાર્ડ પાસે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ઘટના સ્થળે લોહીના ખાબોચિયા ભરાયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks