જૂનાગઢમાં મહિલા કોર્પોરેટરના પતિ ઉપર ફાયરિંગ થતાં ખળભળાટ

(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર૧
જૂનાગઢ શહેરમાં ગત મોડી રાત્રીના સરદાર પટેલ ચોક ખાતે દલિત સમાજના આગેવાન તેમજ કોંગ્રેસના વોર્ડ નં.૧૯ના કોર્પોરેટર ગીતાબેન સોલંકીના પતિ ઉપર ફાયરિંગનો બનાવ બનવા પામતા સનસનાટી મચી જવા પામી છે. આ ફાયરિંગના બનાવમાં ઈજા પામેલા રાજુભાઈ સોલંકીને ખાનગી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે જ્યારે આ બનાવ અંગે રાજુભાઈ સોલંકીએ કુલ ૧૧ શખ્સો વિરૂદ્ધ જીવલેણ હુમલો કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢના પ્રદીપના ખાડિયા વિસ્તારમાં મેઘમાયા નગર ખાતે રહેતા દલિત સમાજના અગ્રણી રાજુભાઈ સોલંકી ગઈકાલે રાત્રીના જીમખાનાના ગેઈટ પાસે હતા ત્યારે દુલા સોમા સોલંકી, વિજય ઉર્ફે લંગડો કાનજીભાઈ, કમલેશ ઉર્ફે મચ્છર દુલાભાઈ સોલંકી અને આકાશ ઉર્ફે ટીડો બાબુભાઈ સોલંકી અને અન્ય શખ્સોએ આવી અને જૂના મનદુઃખે બોલાચાલી કરી અને તેમના ઉપર હુમલો કરેલ જેમાં ફાયરિંગ કરવામાં આવતા રાજુભાઈ સોલંકીના ડાબા ખભે ઈજા પહોંચતા તેમને ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે રાજુભાઈ બાવજીભાઈ સોલંકીએ દુલા સોમા સોલંકી, વિજય ઉર્ફે લંગડો કાનજીભાઈ, કમલેશ ઉર્ફે મચ્છર દુલાભાઈ સોલંકી, આકાશ ઉર્ફે ટીડો બાબુભાઈ સોલંકી, સંજય ઉર્ફે બોડિયો દુલાભાઈ સોલંકી, સાગર દુલાભાઈ સોલંકી, હરી બાબુભાઈ સોલંકી, જીતેન્દ્ર ઉર્ફે જીતો કાનજી સોલંકી, નિરજ ઉર્ફે ટારઝન ડાયાભાઈ પરમાર, મુસો કોળી (રહે. તમામ જૂનાગઢ) વાળા તથા અન્ય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks