(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર૧
જૂનાગઢ શહેરમાં જોષીપરા ગોપાલનગરની બાજુમાં ત્રિમૂર્તિનગર-ર, નિલમાધવ ડુપ્લેક્ષ બ્લોક નં.૭માં બે અજાણ્યા શખ્સોએ ત્રાટકી અને મહિલાઓને મારમારી અને કુલ રૂા.૩.૯પ લાખની મતાની સનસનીખેજ લૂંટ કરી ગયાનો બનાવ પોલીસ દફતરે નોંધાતા સનસનાટી મચી જવા પામી છે. આ બનાવ અંગે ત્રિમૂર્તિનગર-ર, નિલમાધવ ડુપ્લેક્ષ, બ્લોક નં.૭ ખાતે રહેતા પૂજાબેન કૈલાશ ઉર્ફે કેયુર ધીરજલાલ પાઘડાર (ઉ.વ.ર૩)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે ૪ઃ૩૦થી ૪ઃ૪પ દરમ્યાન કોઈ બે અજાણ્યા શખ્સોએ ફરિયાદીના રહેણાંક મકાનની નવેરાની ગ્રીલના દરવાજાનું તાળું ખોલી અને પ્રવેશ કર્યો હતો. તેઓએ ફરિયાદીના સાસુ પ્રવિણાબેનને મુંઢ મારમારી, તિક્ષ્ણ હથિયારથી ગળામાં ઈજા પહોંચાડી હતી. તેમજ રૂમમાં દીવાલ કબાટના ડ્રોઅર ખાનામાંથી સોનાની ચાર બંગડી, સોનાના બે પાટલા, મંગળસૂત્ર, સોનાના પેન્ડલ, સોનાની બે વિંટી, ચેઈન વગેરે મળી રૂા.૩.૯પ લાખના સોનાના દાગીનાની લૂંટ કરી નાસી ગયા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. બનાવની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈએમએવાળા ચલાવી રહ્યા છે.