
જૂનાગઢ,તા.૧૯
જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકા પૈકી ૬ તાલુકામાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન ર.પથી પ.પ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે અને આજે પણ સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ સોરઠ પંથક તેમજ સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાની અવિરત મેઘસવારીને કારણે જળાશયોમાં ભરપુર પાણીની આવક થઈ છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લા ફલડ કંટ્રોલરૂમ દ્વારા અપાયેલી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં જૂનાગઢ પ મીમી (મોસમનો કુલ વરસાદ ૬ર૧ મીમી), કેશોદ ૮૪ મીમી (૭૧પ મીમી), માળિયા ૭૪ મીમી (૧૧૪૩ મીમી), માણાવદર ૧પ મીમી (પ૮૬ મીમી), માંગરોળ ૧૦પ મીમી (૭૩૭ મીમી), મેંદરડા ૧૩૩ મીમી (૯૪૦ મીમી), વંથલી ૧૭ મીમી (૬૦૩ મીમી), વિસાવદર પ૯ મીમી (૮૩૮ મીમી) જેવો વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં જળાશયો પૈકી મધુવંતી આંબામા વ્રજની બાંટવાપારો વિલીંગ્ડન ડેમ સહિતના ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે અને ઓવરફ્લો થઈ ગયા છે.
માણાવદર તાલુકાના નાંદરખા ગામે આવેલ મોટા ડેમનો પાળો તૂટતાં પ્લોટ વિસ્તાર અને દલિત વાસ વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ અંગે નાંદરખા ગામના સરપંચ કે.ડી.લાડાણીએ જણાવ્યું હતું કે જુનું ગામ અને નવા પ્લોટ વિસ્તારને જોડતો પુલ સાંકડો હોવાને લીધે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.
મેઘરાજા સમગ્ર સૌરાષ્ટ્રમાં મન મુકીને વરસતા અનરાધાર મેઘ તાંડવ થતા કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર થતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે અનેક ગામો બેટમાં ફેળવાયા છે. ઘેડ પંથકમાં જ્યાં નજર કરો ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે અમુક ગામોનો વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. મોટા ભાગના ગામોમાં તંત્ર દ્વારા ડોકિયું ન કરવામાં આવતા તંત્ર સામે લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. તો અનેક ગામો પ્રાથમિક સુવિધાઓની રાહ જોઈ રહ્યા છે. કોઈ ગામોમાં વીજળી ગુલ થઈ છે. તો કોઈ ગામોમાં પશુઓ માટેના ઘાસચારાની તંગી ઉભી થઈ છે અનેક ગામોના ખેડૂતોની હજારો વિઘા જમીન ધોવાઈ ગયેલ છે. તેમજ ખેડૂતોના ઊભા પાકમાં પણ મોટાપાયે નુકશાની ભોગવવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હાલાકીનો સામનો કરતા લોકો પાસે તંત્ર દ્વારા આશ્વાસન આપવાનો પણ સમય નથી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
મેઘરાજાની દે ધનાધન એન્ટ્રીથી એક સપ્તાહમાં ર૮ ઈંચ વરસાદ થતા અનેક ગામો હાલાકી વેઠી રહ્યા છે. ઉપરવાસમાં વધુ વરસાદથી અનેક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેની મોટા ભાગના ગામોને જાણ કરવામાં આવતી નથી. તેવું લોકો જણાવી રહ્યા છે અને અચાનક નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક થતા લોકો ઉપર આભ ફાટ્યા જેવો આઘાત લાગ્યો છે અને ઘેડ વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એવી વિકટ પરિસ્થિતિના સમયે પણ લોકોની વેદના સરકારી તંત્ર સુધી પહોંચાડતું મીડિયા જ્યાં પહોંચી શકે ત્યાં તંત્ર કેમ ન પહોંચી શકે ? હાલ એક સપ્તાહ બાદ ભાજપના ધારાસભ્ય ઘેડ પંથકની સમીક્ષા કરી રહ્યા છે. તે બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ ખેડૂતોની હજારો વિઘા જમીનમાં ધોવાણ થવાથી મોટી નુકશાની થઈ છેે. તેમજ વાવેતર કરેલ પાક નિષ્ફળ જવાની પુરી સંભાવના છે. ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. સરકાર દ્વારા સહાય કરવામાં આવશે કે માત્ર સર્વે કરી આશ્વાસન આપવામાં આવશે. તે જોવાનું રહ્યું. હાલમાં કેશોદ તાલુકાનું અખોદર ગામ એવું છે જ્યાં લોકો ગામની બહાર કે બહારના લોકો ગામમાં જઈ શકતા નથી. તેવા ગ્રામજનો પાસે ખાદ્ય સામગ્રી છે કે, નહીં તેમને પ્રાથમિક સુવિધા મળે છે કે નહીં તેની ચિંતા કરનાર કોઈ નથી. હાલની પરિસ્થિતિમાં લોકો પાસે ખોરાક નથી. શાકભાજી નથી. લોકો ફૂડ પેકેટની રાહ જોઈ રહ્યા છે. અનેક લોકો બિમાર છે. ત્યારે બિમાર લોકોને સારવાર માટે લઈ જવા પણ કેવી રીતે ? વાહન વ્યવહાર ઠપ્પ છે. ચાલીને પણ જઈ શકાતું નથી. ગામની દુકાનોમાં અનાજ કઠોળ નથી. શાળાઓમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જઈ શકતા નથી. બેથી ત્રણ ડેન્ગ્યુના દર્દીઓ છે. રોગચાળો ફાટી નીકળ્યો છે. તેને સારવાર માટે લઈ જવાય તેવી વ્યવસ્થા નથી. આપણે માત્ર કલ્પના કરીએ તો કેવી પરિસ્થિતિમાં લોકો હશે ? તંત્ર લોકોની વેદના સાંભળવા ક્યારે આવશે ? તંત્ર તો ઠીક પણ કેશોદ તાલુકાના ગામોમાં સેવાભાવી સંસ્થાઓ સહાય કરવા આગળ આવશે ? ક્યારે આવશે ? એવા અનેક સવાલો પેદા થઈ રહ્યા છે.