જૂનાગઢ, તા. ૩
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં મેઘરાજનું ધીમી ધારે આગમન થતાં લોકો આનંદથી પુલકિત બની ગયા છે અને જ્યાં સારો વરસાદ પડ્યો છે ત્યાં વાવણી કાર્યનો પણ શુભારંભ થઈ ગયો છે.
જૂન માસ પૂરો થયો અને ૧લી જુલાઈનો દિવસ એટલે કે રવિવારથી જ સૌરાષ્ટ્ર-કચ્છ ભરમાં હવામાનમાં પલ્ટો આવી ગયો હતો અને મેઘાવી માહોલ વચ્ચે જુજ પ્રમાણમાં વરસાદી ઝાપટાનો દૌર શરૂ થયો હતો. તો બીજી તરફ સોમવારના દિવસે જૂનાગઢમાં પણ સાંજના સમયે વાતાવરણ પલ્ટાઈ ગયું હતું અને રાત્રીના મોડેથી હળવો વરસાદ વરસવા લાગતાં રસ્તાઓ ઉપર પાણી વહેવા લાગ્યા હતા. આજે પણ વરસાદી માહોલ છે ત્યારે જૂનાગઢ અને સોરઠ પંથકમાં આજે સવારે પૂરા થતાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન મેઘરાજાએ પ્રથમ વરસાદના આંકડા જોઈએ તો ભેંસાણ તાલુકામાં ૮ મીમી, જૂનાગઢ ૧૧ મીમી, કેશોદ પ૬ મીમી, માળિયા પ૪ મીમી, માણાવદર ૮ મીમી, માંગરોળ ૬૩ મીમી, વંથલી ર૯ મીમી અને વિસાવદર ર૬ મીમી જેવો વરસાદ નોંધાયો છે. અત્યારે પણ વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ભેંસાણ પંથકમાં છૂટોછવાયો હળવો વરસાદ થયો છે.