(એજન્સી) તા.૧ર
લોકસભા ચૂંટણી માટે મહત્ત્વના રાજ્યોમાં બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપી ભાજપ ગઠબંધનના રાજકારણમાં કોંગ્રેસ સહિત તેના વિરોધીઓથી એક ડગલું આગળ છે. કેટલાક સહયોગી સાથે સારા સંબંધો ન હોવા છતાં ભાજપ તેમને એન.ડી.એ.માં રાખવામાં સફળ રહ્યો છે અને આ જ કારણસર તેણે બેઠકોની વહેંચણીમાં પણ ઉદારતા દર્શાવી હતી બિહાર તેનું ઉદાહરણ છે. તમિલનાડુ જેવા મોટા રાજ્યમાં પણ ભાજપે નાનાભાઈની ભૂમિકા સ્વીકારી ગઠબંધનને આકાર આપ્યો છે. રાજ્યની શાસક પાર્ટી એ.આઈ.એ.ડી.એમ.કે. ઉપરાંત નાની દ્રવિડિયન પાર્ટીઓ જોડે પણ ગઠબંધન કરવા પ્રયત્નશીલ છે. બિહાર, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં જ્યાં સહયોગીઓ સાથે તાલમેલ ખૂબ જ અગત્યનું હતું ત્યાં ભાજપે ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. ભાજપે બિહારમાં જે.ડી.(યુ) સાથે ૧૧-૧૭ બેઠકોની વહેંચણી કરી જ્યારે ૬ બેઠકો એન.ડી.એ.ના સહયોગી રામવિલાસ પાસવાનની એલ.જે.પી.ને આપવામાં આવી. ર૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બિહારની ર૧ બેઠકો પર કબજો કર્યો હતો. પરંતુ ર૦૧૯માં પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ભાજપે જે.ડી.(યુ) સામે નમતું જોતી ૧૭ બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. બીજી તરફ બિહારના યુ.પી.એ. સહયોગીઓ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે કોઈ નક્કર સમજૂતી થઈ નથી. અહીં કોંગ્રેસ લાલુપ્રસાદની આર.જે.ડી., ઉપેન્દ્ર કુશવાહાની આર.એલ.એસ.પી. અને જીતનરામ માંઝીની એચ.એ.એમ.વચ્ચે મતભેદોના કારણે બેઠકોની વહેંચણીનું કાર્ય સ્થગિત છે. મહારાષ્ટ્રમાં પણ ભાજપ અને શિવસેનાએ અનુક્રમે રપ અને ર૩ બેઠકો પર ચૂંટણી લડવાની સમજૂતી કરી લીધી છે. જ્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષ એન.સી.પી. વચ્ચે હજી બેઠકોની વહેંચણી મામલે ખેંચતાણ ચાલી રહી છે. કર્ણાટકમાં પણ જે.ડી.(એસ.) કોંગ્રેસે ગઠબંધનની જાહેરાત કરી દીધી પરંતુ બેઠકોની વહેંચણી પર કોઈ નક્કર સમજૂતી થઈ નથી.