ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામેનો મહાભિયોગ પ્રસ્તાવ ફગાવતા વેંકૈયાના નિર્ણયને પડકારવા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદો સુપ્રીમમાં

(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે મહાભિયોગ પ્રસ્તાવની મંજૂરી માટે કોંગ્રેસ હવે સુપ્રીમકોર્ટમાં પહોંચી ગઇ છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પ્રતાપસિંહ બાજવા અને અમી યાજ્ઞિકે સોમવારે જસ્ટિસ જે.ચેલામેશ્વરની કોર્ટમાં અરજી દાખલ કરી છે. જસ્ટિસ ચેલામેશ્વરે અરજદારોને જણાવ્યું છે કે મામલાની સુનાવણી કરવામાં આવે કે નહીં, તેના પર કોર્ટ મંગળવારે વિચાર કરશે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે મોરચો ખોલનારા જસ્ટિસ ચેલામેશ્વરની કોર્ટમાં આ મામલો આવવાથી કેસ રસપ્રદ થઇ ગયો છે. મંગળવારે આ મામલાની સુનાવણી માટે લિસ્ટિંગ કરવા અંગે જસ્ટિસ ચેલામેશ્વર નિર્ણય લઇ શકે છે. દરમિયાન, મહાભિયોગ નોટિસ પર હસ્તાક્ષર કરનારા સાંસદોમાં સામેલ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ન્યાયમૂર્તિઓ ચેલામેશ્વર અને એસ.કે.કૌલની બનેલી બેંચને તાકીદે સુનાવણી કરવા માટે અરજી લિસ્ટિંગ કરવાનો અનુરોધ કર્યો છે. કોંગ્રેસના સાંસદોએ પોતાની અરજીમાં વેંકૈયા નાયડુનો આદેશ રદ કરવા, જજીસ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ આ બાબતની તપાસનો આદેશ આપવા અને તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવાની માગણી કરી છે. સાંસદોએ જણાવ્યું છે કે એક વાર સાંસદો તરફથી મહાભિયોગ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા બાદ ઉપરાષ્ટ્રપતિ પાસે અન્ય કોઇ વિકલ્પ રહેતો નથી. ઉપરાષ્ટ્રપતિએ સાંસદોની નોટિસને આધારે તપાસ પંચની રચના કરીને ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામેના આરોપોની તપાસ કરાવવી જોઇએ. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની નોટિસ એમ કહીને ફગાવી દીધી હતી કે સીજેઆઇ સામે આરોપ સંપૂર્ણરીતે સ્પષ્ટ નથી. આ બાબતે કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કાયદા પ્રધાન કપિલ સિબ્બલે કહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિએ બહુ ઉતાવળે પ્રસ્તાવ ફગાવી દીધો છે અને તેમણે કોઇ નિષ્ણાતની સલાહ પણ લીધી નથી. તેમણે એવું પણ કહ્યું હતું કે ચીફ જસ્ટિસ સામેના મહાભિયોગ પ્રસ્તાવને ફગાવી દેવાનો ઉપરાષ્ટ્રપતિનો નિર્ણય તર્કસંગત નથી. બંધારણના નિયમો હેઠળ રાજ્યસભાના ચેરમેનનું કામ માત્ર જરુરી સાંસદોની સંખ્યાનો આંકડો જોવાનો હોય છે અને તેમના હસ્તાક્ષરોની તપાસ કરવાની હોય છે. ઉપરાષ્ટ્રપતિએ પ્રસ્તાવ ફગાવતા પહેલા ઓછામાં ઓછો કોલેજિયમનો અભિપ્રાય લેવો જોઇતો હતો પરંતુ બહુ ઉતાવળમાં નિર્ણય લેવામાં આવ્યો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts