(એજન્સી) મુંબઈ, તા.૪
સેવા નિવૃત્ત જજ પીબી સાવંતે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકારને રાજકીય પક્ષ નહીં પરંતુ રાજકીય આફત ગણાવી છે. અહેવાલ મુજબ ભાજપ સરકાર સત્તામાં આવ્યા પછી સંવિધાન બચાવો, દેશ બચાવો અને યલગાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કબીર કલા મંચ નામની એક સંસ્થા પણ જોડાઈ હતી. પરિષદનો રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી બંધારણના ઉલ્લંઘનનો મામલો ઉઠાવી બંધારણને લાગુ કરવાની માગ પર ભાર મૂકવાનો ઉદ્દેશ હતો. તેમણે જણાવ્યું કે, દલિતોના વિજય પર ઉજવવામાં આવનાર ઉત્સવમાં સામેલ થવા પરિષદ કોરેગાંવ પહોંચી હતી એના પાંચ મહિના પછી પોલીસે આરોપ મૂક્યો કે નકસલી અને એમની સાથે સહાનુભૂતિ ધરાવતા લોકો યલગાર પરિષદના આયોજનમાં સામેલ હતા. જો કે આ આરોપને સાબિત કરવા પોલીસને કોઈ પુરાવા મળ્યા નથી. આ આયોજનમાં એ લોકો પણ સામેલ હતા જેમણે આ આરોપો મૂક્યા હતા. સાવંતે આ આરોપના કારણ અંગે જણાવ્યું કે, ચૂંટણીઓ નજીકમાં છે અને સરકાર તમામ મોરચે પોતાની નિષ્ફળતા છુપાવવા અને લોકોનું ધ્યાન અન્યત્ર ખસેડવા કેટલાક લોકોનું બલિનો બકરો બનાવવા માગે છે. સાવંતે આ આરોપના બીજા કારણમાં પોલીસ તપાસમાં અલગ-અલગ શહેરોમાં વિસ્ફોટના મક્સદથી બોમ્બ બનાવવામાં હિન્દુત્વવાદી સંગઠન સનાતન સંસથાનું નામ ખૂલ્યું હોવાનું પણ ગણાવ્યું હતું. સાવંતે પ્રશ્નો ઊભો કર્યો કે માનવઅધિકાર કાર્યકર્તાઓ પર આખરે કેમ કાર્યવાહી કરવામાં આવી ? તેમણે જણાવ્યું કે, હિન્દુત્વવાદી સંગઠનોને વર્તમાન સરકારનું પીઠબળ છે. એમને વિશ્વાસ હતો કે તેમના વિરૂદ્ધ કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવશે નહીં. હાલમાં થયેલ ધરપકડો પણ આ મામલાઓથી ધ્યાન ખસેડવાની ઝુંબેશ છે. આ ધરપકડો સંપૂર્ણ રીતે રાજકીય પ્રેરિત છે. બીજેપી અને વર્તમાન સરકાર બંધારણને સ્વીકારતી નથી. ભાજપ બંધારણને બદલવા માગે છે. ભાજપ લોકતંત્ર, ધર્મનિરપેક્ષતા અને સમાજવાદ વિરૂદ્ધ ફાંસીવાદને સમર્થન કરે છે. આ પક્ષ મનુસ્મૃતિ આધારિત રાજ્ય બનાવવા માગે છે. ૧૬ ઓગસ્ટ ર૦૧૮ના રોજ કેટલાક હિન્દુત્વવાદી કાર્યકરોએ બંધારણ અને ડો. આંબેડકર મુરદાબાદ અને મનુસ્મૃતિ જિંદાબાદના સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજેપી એક રાજનૈતિક પક્ષ નથી પરંતુ રાજનૈતિક આફત છે. જે રાષ્ટ્રની ઓળખ બદલીને મનુસ્મૃતિની અનુસાર ચાલતા જૂના યુગમાં ધકેલી દેવા માગે છે.