ભાવનગર, તા.૭
ભાવનગર સરકારની ખેડૂત વિરોધી નીતિ અને આપખુદી વલણને લીધે ખેડૂતો અને પ્રજા ત્રસ્ત છે. ખેડૂતોના દેવા માફ કરી દેવાની માંગ સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ આદર્યા છે. તેવા સંજોગોમાં ભાજપ સરકારને ભીંસમાં લેવા કોંગ્રેસપક્ષે રાજ્યવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરી લોકશાહી બચાવો અને ખેડૂતોના દેવા માફ સાથે સમગ્ર રાજ્યમાં પ્રોગ્રામો જાહેર કર્યા છે.
જેના ભાગરૂપે ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શુક્રવારે સવારે ૧૧ વાગ્યાથી બીજા દિવસે એટલે કે શનિવારે ૧૧ વાગ્યા સુધીના ર૪ કલાક ભાવનગર જિલ્લા કલેકટર કચેરી સામે ધરણા કાર્યક્રમ જાહેર કર્યો છે. આજ સવારથી કોંગ્રેસપક્ષના આગેવાનો ધરણા પર બેઠા છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસપક્ષના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોષી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ, ભાવ.મ્યુ.વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, ભાવનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા સહિતના આગેવાનો ર૪ કલાકના ઉપવાસ કરશે. જ્યારે તેમની સાથે કોંગ્રેસપક્ષના આગેવાનો, કાર્યકરો, ખેડૂતો, પાટીદારો, બેરોજગારો જોડાયા છે.