જૂનાગઢ રેન્જ વિસ્તારમાં અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે

(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.ર૦
જૂનાગઢ રેન્જ વિસ્તારમાં આવેલાં ગીર સોમનાથ જિલ્લો, પોરબંદર, જૂનાગઢ જિલ્લાના લોકોની સુરક્ષા માટે નવનિયુક્ત આઈજીપી સુભાષ જી.ત્રિવેદી દ્વારા તાત્કાલીક અસરથી શ્રેણીબદ્ધ પગલાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને લોકોને કોઈપણ આપતિ સમયે અથવા તો પોલીસ ફરિયાદ ન લેતી હોય ત્યારે પણ સીધો જ આઈજીપીનો સંપર્ક કરવા જણાવેલ છે. આઈજીપી દ્વારા બહાર પડેલાં જાહેરનામામાં જણાવવામાં આવેલ છે કે જૂનાગઢ, પોરબંદર તેમજ ગીર-સોમનાથ જિલ્લા નાગરિકોને દારૂ, જુગાર, અસામાજિક પ્રવૃત્તિ કે અસામાજિક તત્વો તરફથી કોઈ વ્યક્તિને હેરાનગતિ કરવામાં આવતી હોય અથવા જે તે સંબંધિત વિસ્તારનાં પોલીસ દ્વારા યોગ્ય જવાબ ન આપવામાં આવતો હોય કે સંબંધિત વિસ્તારનાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું પ્રજાલક્ષી વલણ ન હોય તો તે અંગે કોઈ માહિતી આપવા ઈચ્છતા હોય તેવા લોકો જૂનાગઢમાં આવેલી પોલીસ નિરિક્ષક કચેરીનાં કંટ્રોલરૂમનાં ટેલીફોન નંબર ૦ર૮પ ર૬ર૧૧પર ઉપર માહિતી આપી શકે છે. તેમજ માહિતી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે. વિશેષમાં જૂનાગઢ રેન્જ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ સામે સખ્ત હાથે કામ લેવામાં આવશે તેમજ અન્ય જિલ્લાઓમાંથી નાસીને આવતાં ગુનેગારો સામે પણ કડક પગલાંનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સમગ્ર રેન્જ જિલ્લામાં આવેલ દરેક પોલીસ સ્ટેશન દ્વારા ફૂટ પેટ્રોલીંગ ગોઠવવામાં આવશે તેમજ શાળા કોલેજોની આસપાસ થતી રોમિયોગીરીને પણ નાબુદ કરી નાખવામાં આવશે. જૂનાગઢ રેન્જનાં નવનિયુક્ત આઈજીપી સુભાષ ત્રિવેદીએ વધુમાં એવો નિર્દેશ આપ્યો હતો કે રેન્જ વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બનાવવાનાં ભાગરૂપે વિવિધ પગલાંઓ લેવામાં આવનાર છે. ગેરકાનુની પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં અસામાજિક તત્વો સામે પાસા, તડીપાર સહિતનાં પગલાંઓ ભરવામાં આવશે. તેમજ ભુમાફિયાઓ, વ્યાજખોરો સામે પણ પ્રજાની એક ફરિયાદની સાથે જ કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો હતો. તાજેતરમાં જ જૂનાગઢ રેન્જનાં આઈજીપી ડો.રાજકુમાર પાંડિયનની બદલી થતાં તેમનાં સ્થાને નિમણૂંક પામેલા જૂનાગઢ રેન્જનાં આઈજીપી સુભાષ ત્રિવેદીની અત્યાર સુધીની પોલીસ કાર્યવાહી સઘન અને પ્રશંસનીય રહી છે. અનેક ગંભીર ગુનાઓનાં કેસમાં પણ તટસ્થ કામગીરી કરી અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી છે. ત્યારે જૂનાગઢ રેન્જ વિસ્તારમાં પણ કાયદો અને વ્યવસ્થાની મજબૂત સ્થિતિ બને અને નાગરિકો સબ સલામત રહે તેવી અસરકારક સલામતી વ્યવસ્થા તેઓ દ્વારા ગોઠવવામાં આવી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks