(એજન્સી) લખનૌ, તા.ર૩
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગૃહ જિલ્લાના ગોરખપુરમાં બાબા રાઘવ દાસ (બીઆરડી) મેડિકલ કોલેજમાં ગત વર્ષ કથિત રીતે ઓક્સિજનની અછતને કારણે મોટી સંખ્યામાં બાળકોના મૃત્યુ મામલે ડૉક્ટર કફીલખાને રવિવારે ‘જનતા કા રિપોર્ટર’થી બધા મુદ્દાઓ પર ખુલીને વાતચીત કરી હતી. બાળકોની મોતને મામલે જેલમાં વિતાવેલા ક્ષણો ઉપરાંત કફીલખાને થોડા દિવસો પહેલાં પોતાના ભાઈ કાસિફ જમીલ પર થયેલ જીવલેણ હુમલાને લઈ ખુલીને પોતાના અભિપ્રાયો આપ્યા હતા. બાળકોની મોત મામલે હીરોથી વિલન બનવાના સવાલ પર ડૉક્ટર કફીલે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાને બચાવવા માટે કોઈને તો ‘બલિનો બકરો’ બનાવવો જ હતો કારણ કે ખુદને અને સ્વાસ્થ્ય મંત્રીને લેટર ગયો હતો. રાજાને બચાવવા માટે પ્યાદાને જાન આપવી જ પડે છે તો કોઈને તો બકરો બનાવવાના જ હતા. જે પ્રકારે મીડિયાએ બે દિવસમાં મને ફરિશતા અને ભગવાનની ઈમેજ બનાવી તેઓને કદાચ સારી નહીં લાગી હોય. આ કારણે તેઓએ આખા મુદ્દાને ફેરવી દીધો. તેમણે આગળ કહ્યું કે તે વખતે મીડિયા અને જનતા પૂછી રહી હતી કે સ્વાસ્થ્ય મંત્રી શું કરી રહ્યા છે ? મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મામલે કંઈ રીતે જવાબદાયી નથી ? તો ખુદને બચાવવા માટે કોઈને તો મારવો જ હતો અને પછીથી બાળકોની મોતનો મામલો દબાવી ડૉ.કફીલખાનની આજુબાજુની ખબરો ચાલવા લાગી, કેટલા બાળકો મર્યા અને તેમનું શું થયું ? તે લોકોએ બોલવાનું છોડી દીધું અને બધાનું ધ્યાન ભટકાવી દીધું. ગોરખપુરના મેડિકલ કોલેજમાં બાળકોના મોત મામલે જેલ ગયેલા ડૉક્ટર કફીલખાનને આશરે આઠ મહિના સુધી જેલમાં રહેવું પડયું હતું. તેઓને જેલમાં સતત હેરાન કરવામાં આવ્યા હતા. પરિજનોને ઘણા દિવસો સુધી મળવા માટે રાહ જોવડાવી હતી અને થોડા મિનિટો સુધી મળવાની પરવાનગી આપવામાં આવી હતી. જામીન પર બહાર આવેલા ડૉક્ટર કફીલે ‘જનતા કા રિપોર્ટર’ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેઓને સતત જેલમાં હેરાન કરવામાં આવ્યા હતા. સતામણી કરવામાં આવતી હતી. પાંચ-પાંચ કલાક સુધી રાહ દેખાડવામાં આવતી હતી. કયારેક તેમની ચિઠ્ઠીને ગાયબ પણ કરી દેવામાં આવતી હતી જેથી તેમની મુલાકાત ન હોઈ શકે. ભાઈ પર થયેલ જીવલેણ હુમલા પર વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ ખૂબ જ નવાઈની વાત છે કે જે વખતે તેમના ભાઈ પર જીવલેણ હુમલો થયો ત્યારે યોગી આદિત્યનાથ ગોરખપુરમાં જ હતા. તેમણે કહ્યું કે સીએમ જ્યાં રોકાયા હતા તેની માત્ર પ૦૦ મીટરના અંતરે તેમના ભાઈ પર હુમલો થયો. કફીલે કહ્યું કે આ ઘટનાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે પણ આ જ સુધી પોલીસને આ મામલે કોઈ સફળતા હાથ લાગી નથી.