“બહુમતી દૃષ્ટિકોણને અધિકારો પર આધિપત્ય ન અપાય” એમ કહીને છેવટે સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૭ રદ્દ કરી દીધી

(એજન્સી) નવી દિલ્હી,તા.૬
સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતા (ૈંઁઝ્ર)ની કલમ ૩૭૭ના એક હિસ્સાને અપરાધની શ્રેણીમાંથી બહાર કરી દીધો છે. આઇપીસીમાં ૧૮૬૧માં સામેલ કરવામાં આવેલી કલમ ૩૭૭ સમલૈંગિક લોકો વચ્ચે શારીરિક સંબંધોને અપરાધ માનતી હતી. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચુકાદો આપતા કહ્યું કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. બે વયસ્કો એકાંતમાં પોતાની સંમતિથી સંબંધ બાંધે તો તે ગુનો નથી. પરંતુ બાળકો કે પશુઓ સાથે આવા સંંબંધ અપરાધની શ્રેણીમાં જ રહેશે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની બંધારણીય બેંચે આ ચુકાદો આપ્યો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, તેઓ તપાસ કરશે કે શું જીવવાના મૌલિક અધિકારમાં ’યૌમ આઝાદીનો અધિકાર’ સામેલ છે કે નહીં. ઉલ્લેખનીય છે કે ૧૭ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે ૪ દિવસની સુનાવણી પછી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કલમ ૩૭૭ બાબતે ચુકાદો આપતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જણાવ્યું કે, કોઇપણ પોતાના વ્યક્તિત્વથી બચી શકતું નથી. સમાજ હવે વ્યક્તિગતતા (ઇન્ડિવિડ્યુઅલાઇઝેશન) માટે ઘણો સારો છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણા વિચાર-વિમર્શ વિભિન્ન પાસાઓ દર્શાવે છે. સીજેઆઇએ કહ્યું કે, “હું જે છું એ છું. પરિણામે જેવો છું તે જ સ્વરૂપમાં મારો સ્વીકાર કરવામાં આવે. સમલૈંગિક લોકોને સન્માન સાથે જીવવાનો અધિકાર છે.
બેંચે સ્વીકાર્યું કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. લોકોએ પોતાના વિચારોમાં પરિવર્તન લાવવું પડશે. સીજેઆઇ દીપક મિશ્રા અને જસ્ટિસ એએમ ખાનવિલકરે કહ્યું કે સમાન જાતિવાળા લોકોની વચ્ચે સંબંધ બનાવવો હવે કલમ ૩૭૭ હેઠળ નહીં આવે. જજોએ કહ્યું કે સમાજ પૂર્વગ્રહોથી મુક્ત હોવો જોઇએ. દરેક વાદળમાં ઇંદ્રધનુષ શોધવું જોઇએ. ઉલ્લેખનીય છે કે ઇંદ્રધનુષી ધ્વજ એલજીબીટી સમુદાયનું પ્રતીક છે. સુપ્રીમ કોર્ટે આઇપીસીની કલમ ૩૭૭ને મનમાની કલમ ગણાવી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ઇંદુ મલ્હોત્રા અને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બેંચે પોતાના ચુકાદામાં કહ્યું કે સમલૈંગિક સમુદાયને પણ સામાન્ય નાગરિકોની સમાન અધિકાર હાંસલ છે. એકબીજાના અધિકારોનું સન્માન કરવું સર્વોચ્ચ માનવતા છે. સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાં રાખવા મૂર્ખતા છે. તેનો બચાવ કરી શકાય નહીં. ઇતિહાસને લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર (એલજીબીટી) કોમ્યુનિટીને વર્ષો સુધી પીડા, કલંક અને ડરના ઓછાયા હેઠળ રાખવા માટે માફી માંગવી જોઇએ.
બીજાની ઓળખને સ્વીકારવાના મામલે દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવી જોઇએ. લોકોએ કેવા હોવું જોઇએ, આ દ્રષ્ટિકોણને બદલે લોકો જેવા છે તેવા જ સ્વીકારવાની માનસિકતા હોવી જોઇએ.
બધાની પોતાની ઓળખ છે. દરેક વ્યક્તિને ગૌરવપૂર્વક જીવવાનો અધિકાર છે. સેક્સ્યુઅલ એટિટ્યૂડ પ્રાકૃતિક છે. આ આધારે ભેદભાવ ન કરી શકાય. નૈતિકતાનો સિદ્ધાંત ઘણીવાર બહુમતીવાદથી પ્રભાવિત હોય છે, પરંતુ લઘુમતી જૂથને બહુમતી સમાજની રીતોની જેમ જીવવા માટે મજબૂર ન કરી શકાય. વ્યક્તિગતતાનો અધિકાર મૌલિક અધિકાર છે અને ૩૭૭ તેનું હનન કરે છે.
સુપ્રીમ કોર્ટમાં આઇપીસીની કલમ ૩૭૭ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર જુલાઈમાં જ સુનાવણી પૂરી થઈ ગઈ હતી. સુનાવણી પછી કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો.
સંમતિથી સમલૈંગિક સંબંધોને ગુનાની શ્રેણીમાં મૂકતી કલમ ૩૭૭ પર ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય બેંચે ૧૦ જુલાઈના રોજ સુનાવણી શરૂ કરી હતી અને ચાર દિવસ આ સુનાવણી ચાલી હતી.

સજાતીય સંબંધો માનસિક વિકૃતિ નથી
કલમ-૩૭૭ના ચુકાદાના પ મુખ્ય અવતરણો

સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી સજાતીય સંબંધોને ગુનાની શ્રેણીમાંથી બહાર મૂકી ઈ.પી.કો.ની કલમ-૩૭૭ને રદ કરવા આદેશ આપ્યો હતો. જો કે એમણે પશુઓ અને બાળકો સાથે કરાતા જાતીય કૃત્યોને ગુનો ગણી ચાલુ રાખવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાની પાંચ મહત્ત્વપૂર્ણ નોંધો આ મુજબ છે.
૧. કલમ-૩૭૭ એલજી-બીટી કોમને ભયમાં મૂકવા માટેનું હથિયાર હતુ જેના લીધે ભેદભાવ ઉત્પન્ન થતો હતો.
ર. કલમ-૩૭૭ મનસ્વી છે, એલજીબીટી કોમને પણ અન્યો જેવા અધિકારો હોવા જોઈએ. બહુમતી લોકોની વિચારધારા અને જાણીતી નૈતિકતા બંધારણીય અધિકારો બાબત નિર્ણય નહીં કરી શકે.
૩. કોઈપણ વ્યક્તિ પોતાના વ્યક્તિત્વવાદથી દૂર જઈ નહી શકે, વ્યક્તિત્વબાદ બાબત હવે સમાજ વધુ સારો બન્યો છે.
૪. વ્યક્તિની સ્વાયત્તતા મહત્ત્વપૂર્ણ છે. પુરૂષ અથવા મહિલા પોતાની જાતને કોઈની સમક્ષ સમર્પણ નહીં કરી શકે.
પ. સજાતીય સંબંધો માનસિક વિકૃતિ નથી.

“સજાતીય સંબંધો ગુનો નથી, પણ એ કુદરતી નથી” : ચુકાદા અંગે આરએસએસનું મંતવ્ય

સુપ્રીમ કોર્ટ દ્વારા સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાં બહાર રાખવા પર રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે (આરએસએસ) નિવેદન કર્યું છે. સંઘે સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાં બહાર માનતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયની જેમ અમે પણ તેને અપરાધ માનતા નથી પણ આવા સંબંધો પ્રકૃતિની વિરુદ્ધ છે. સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરુણ કુમારે કહ્યું હતું કે સમલૈંગિક વિવાહ અને સંબંધ પ્રકૃતિથી સુસંગત અને નૈસર્ગિક નથી. જેથી અમે આ પ્રકારના સંબંધોનું સમર્થન કરતા નથી. પરંપરાથી ભારતનો સમાજ પણ આવા પ્રકારના સંબંધોને માન્યતા આપતો નથી. સંઘે કહ્યું હતું કે મનુષ્ય સામાન્ય રીતે અનુભવોમાંથી શીખે છે, જેથી આ વિષયને સામાજિક અને મનોવૈજ્ઞાનિક સ્તર ઉપર જ સંભાળવાની જરૂર છે.

ગે સેક્સની કાયદેસરતા મુદ્દે બોલિવૂડની પ્રતિક્રિયા કરણ જોહરે કહ્યું ‘દેશને ઓક્સિજન પરત મળ્યો’

ભારતમાં ગે સેક્સની કાયદેસરતા માટે સુપ્રીમ કોર્ટના પાંચ જજોએ આપેલા ચુકાદાને આવકારવામાં બોલિવૂડ સ્ટાર્સ સહિત ટોચના ફિલ્મ મેકર કરણ જોહર પણ જોડાયા હતા જેમણે કહ્યું કે, સર્વોચ્ચ અદાલતના ઐતિહાસિક નિર્ણયથી ભારતને તેનું ઓક્સિજન પરત મેળવવાની પરવાનગી મળી ગઇ. તેમણે પોતાના ટિ્‌વટમાં લખ્યું કે, આ એક ઐતિહાસિક ચુકાદો છે તેથી ગર્વનો દિવસ છે. હોમોસેક્સ્યુલીટીને કાયદેસરતા અને ૩૭૭ કલમ નાબૂદ કરવી એ માનવતા અને સમાન અધિકારો માટે લીલીઝંડી છે. કરણ જોહર સાથે અભિષેક બચ્ચન, અર્જુન કપુર, સ્વરા ભાસ્કર, સોનમ કપૂર, વરૂણ ધવન અને અન્ય કલાકારો પણ જોડાયા હતા. અભિષેક બચ્ચને લખ્યું કે, ગુરૂવારના ચુકાદાએ ભારતના મેઘધનુષી રંગોને માન્યતા આપી છે. સોનમે લખ્યું કે, એલજીબીટી સમુદાય માટે આ ખુશીના આંસુ સારવાનો દિવસ છે. એક દિવસ એવો હશે જ્યારે કોઇના પર લેબલ નહીં હોય અને આપણે આદર્શ સ્થળ પર રહીશું. વરૂણે લખ્યું કે, ૧૮૬૦માં લદાયેલો કાયદો નાબૂદ થયો. સમગ્ર દેશ માટે ગર્વથી જીવવાનો દિવસ. સ્વરા ભાસ્કરે આ માટે લડત આપતા તમામ કાર્યકરો અને અરજદારોને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે, ભારત હવે દરેક માટે મુક્ત સ્થળ બની ગયું છે. દિયા મિર્ઝાએ રેઇનબો ઇમોજી સાથે લખ્યું કે, ભારત માટે સમાનતા, સમાન પ્રેમ, સમાન અધિકારો. લવ ઇઝ લવ. આ પહેલા દિવસ દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજો જસ્ટિસ રોહિંગ્ટન ફલી નરીમાન, જસ્ટિસ એએમ ખાંવલિકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની ખંડપીઠે ગે સેક્સને પ્રતિબંધિત કરતા ૩૭૭ના કાયદાને સમાપ્ત કરતા ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

સમલૈંગિકતા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાની સંયુક્ત રાષ્ટ્રે પ્રશંસા કરી, કલંકને દૂર કરવાના પ્રયાસોને બળ મળવાની આશા

યુનાઇટેડ નેશન્સ ઇન્ડિયાએ બે વયસ્કો વચ્ચે ગે સંબંધોને અપરાધ ઠરાવનારી ભારતીય કલમ ૩૭૭ના મહત્વના ભાગને નાબૂદ કરવાના સર્વોચ્ચ અદાલતના ચુકાદાની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, આ નિર્ણયથી એલજીબીટીઆઇ લોકો પર લાગેલું કલંક અને તેમની સાથે થતા ભેદભાવ સમાપ્ત કરવાના પ્રયાસોને બળ મળશે. આ સાથે જ તેણે આશા વ્યક્ત કરી હતી કે, આ નિર્ણય એલજીબીટીઆઇ લોકોને સંપૂર્ણ મૌલિક અધિકારો આપવાની દિશામાં પ્રથમ ડગલું હશે. એક નિવેદનમાં સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું કે, દુનિયાભરમાં લૈંગિક અભિવ્યક્તિની ઓળખ તેનો અભિન્ન ભાગ છે તથા આ તથ્યોના આધારે હિંસા, કલંક અથવા ભેદભાવ માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન છે. સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે, ભારત ખાતેનું સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલય ભારતીય કાયદાની કલમ ૩૭૭ના મહત્વના ભાગને રદ કરવા સંબંધિત સર્વોચ્ચ અદાલતના નિર્ણયનુ સ્વાગત કરે છે જે વયસ્કો વિશે વિશેષ શરીર સંબંધોને અપરાધ ગણાવે છે. આ એક એવો કાયદો છે જે બ્રિટિશ રાજનો છે અને તેના નિશાના પર ખાસ કરીને લેસ્બિયન, ગે, બાઇસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ઇન્ટરસેક્સ વ્યક્તિ તથા સમુદાય રહે છે.
‘ઈતિહાસ પર માફીનો બોજ છે’ સજાતીય સંબંધો અપરાધ નથી : સુપ્રીમ કોર્ટના ચુકાદાની મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ

સુપ્રીમ કોર્ટે સજાતીય સંબંધો અપરાધ નથી, એ જાહેર કલમ-૩૭૭ રદ્‌ કરવા ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નીચે મુજબની મહત્ત્વની વાતો જણાવી છે.
– કલમ-૩૭૭ હેઠળ સંમતિથી ગે સેક્સ કરનારને સજા કરી શકાય નહી.
– સ્વતંત્રતા ત્યારે જ ખરા અર્થમાં ચરિતાર્થ થશે જ્યારે આપણે બધા એલજીબીટી કોમને અમારા જેવા સમાન અધિકારો આપીશું.
– આપણે જૂના પૂર્વગ્રહોને અલવિદા કહેવી જોઈએ, ગોપનીયતા અને અંગતતા એક પસંદગીનો વિષય છે પણ પૂર્વગ્રહ અને સામાજિક કલંક હજુ પણ સમાજના અમુક લોકો ઉપર અસર કરે છે.
– બધાએ હવે પ્રગતિવાદી વિચારોને સ્વીકારવા જોઈએ. જો કે વિજાતીય સંબંધોની પણ સમાજમાં જાળવવી જ જોઈએ. બંધારણીય નૈતિકતાને વિખ્યાત લાગણીઓ સાથે સરખાવી નહીં શકાય.
– ચુકાદો વ્યક્તિગતતા ઉપર ભાર મૂકે છે. લોકોની વ્યક્તિગત બાબતોનો સન્માન થવું જોઈએ, અને ‘સ્વ નિર્ણય’ના અધિકારને માન્યતા આપવી જોઈએ.
– સજાતીય પ્રવૃત્તિ એ માનસિક વિકૃતિ નથી.
– ઈતિહાસ ઉપર એલજીબીટી કોમનું દેવું છે, એ દેવું સમાજે ઉપેક્ષા કરી છે એવું છે.
– સુપ્રીમ કોર્ટે જાતિય વિમુખતાને જૈવિક ઘટના ગણાવી છે. આના આધારે ભેવભાવ કરવો એ મૂળભૂત અધિકારોનો ભંગ છે.
– સીજેઆઈ મિશ્રાએ કહ્યું પોતાની અભિવ્યક્તિનો ઈન્કાર કરવો એ મૃત્યુને નિમંત્રણ આપવા જેવો છે.
– જે મૂળભૂત અધિકારો અન્ય માનવીઓને મળેલ છે એ જ અધિકારો એલજીબીટી કોમને છે.
– કોર્ટે કહ્યું કલમ-૩૭૭ એલજીબીટી કોમને ભય હેઠળ મૂકવાનું એક હથિયાર હતુ જેનાથી ભેદભાવ ઉત્પન્ન થતો હતો.
– પશુઓ સાથે કરાયેલ જાતિય કૃત્ય ગુના તરીકે ચાલુ રહેશે.

ધારા ૩૭૭ વિશેના ચૂકાદા પર પ્રતિક્રિયા ! જમાત-એ-ઈસ્લામી હિંદે નિરાશા વ્યક્ત કરી

૬ સપ્ટેમ્બર-ર૦૧૮ના દિવસે સુપ્રીમ કોર્ટે સમલૈગિંક સંબંધોને ગુનો જાહેર કરતી ધારા ૩૭૭ને રદ કરવાનો ચૂકાદો આપ્યો તેના પર જમાત-એ-ઇસ્લામી હિંદે નિરાશા વ્યક્ત કરી હતી. આ ચૂકાદા પર પ્રતિક્રિયા આપતા જમાત-એ-ઈસ્લામી હિંદના મહાસચિવ મોહમ્મદ સલીમ એન્જિનિયરે કહ્યું હતું કે, “દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાને ફેરવીને અને ધારા ૩૭૭ને રદ કરી સુપ્રીમ કોર્ટે સજાતીય સંબંધોને કાયદેસર બનાવતો ચૂકાદો આપ્યો છે તેનાથી જમાત-એ-ઈસ્લામી-હિંદ નિરાશ છે. આ યાદ કરવું જોઈએ કે અન્ય ધાર્મિક સંગઠનોના નેતાઓ સાથે મળીને જે.આઈ.એચ. દ્વારા સુપ્રીમ કોર્ટે ૧૧ ડિસેમ્બર ર૦૧૩ના રોજ આપેલા ચુકાદાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સુપ્રીમ કોર્ટે ધારા ૩૭૭ રદ કરવાની મનાઈ કરી સજાતીય સંબંધોને ગુનાહિત કૃત્ય તરીકે સ્વીકાર્યું હતું. તે ઐતિહાસિક ચૂકાદા વડે સુપ્રીમ કોર્ટે દેશને નૈતિક પતનના માર્ગે આગળ વધતો રોકી દીધો હતો. પરંતુ આજે ચૂકાદો આપ્યો કે ‘માનવીની જાતિયતાને દ્વિસંઘીમાં મર્યાદિત કરી શકાય નહીં અને સજાતિયતા એ કોઈ માનસિક બીમારી નથી આમ સજાતિયતાને ગુના તરીકે રદ કરી, પુરૂષ-પુરૂષ અને સ્ત્રી-સ્ત્રી વચ્ચે લગ્નને પરવાનગી આપવાથી કુટુંંબ વ્યવસ્થા ભાંગી પડશે અને માનવજાતનો કુદરતી વિકાસ અટકી પડશે. જમાત બધા જ નાગરિકોના મૂળભૂત અધિકારોમાં દૃઢપણે વિશ્વાસ રાખે છે અને તે સ્વતંત્રતા તેમજ લઘુમતીઓના હકોની પ્રસર હિમાયતી છે પરંતુ અમે અમારા સાથી નાગરિકોને જણાવવા માંગીએ છીએ કે સ્વતંત્રતાની સાથે સાથે નૈતિક જવાબદારી પણ આવે છે અને કોઈપણ સમાજ અંગત સ્વતંત્રતાના નામે ગુનાઓ, દુર્ગુણો અને અરાજકતાને સ્વીકારી ન શકે. કેટલાક દેશોમાં આ પ્રકારના ગંદા પ્રયોગોએ માનદ સમાજને નષ્ટ કરી દીધું છે અને મોટાપાયા પર સ્ત્રી અધિકારોનું ભંગ થયો છે અને આપણે તેના પરથી શીખ મેળવવી જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks