(એજન્સી) નવી દિલ્હી,તા. ૭
સુપ્રીમકોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે પુખ્ત વયની વ્યક્તિઓના સંમતિથી સજાતીય સંબંધો અપરાધ નથી. સુપ્રીમકોર્ટના ચુકાદા સામેના વિરોધમાં હિન્દુ, મુસ્લિમ,શીખ અને ખ્રિસ્તીઓ સહિત બધા ધાર્મિક નેતાઓ સંગઠિત થઇ ગયા છે. ધાર્મિક નેતાઓએ સુપ્રીમકોર્ટનો ચુકાદો ફેરવી નાખવા માટે સંસદમાં એક વટહુકમ પાસ કરવાની સરકારને અરજ કરી છે. હિન્દુ, મુસ્લિમ,શીખ અને ખ્રિસ્તીઓના ધાર્મિક નેતાઓએ સુપ્રીમકોર્ટના ચુકાદાની ટીકા કરીને જણાવ્યું કે આ બાબત અશ્લીલતા, નિર્લજ્જતા અને અપરાધોને પ્રોત્સાહન આપશે. મુસ્લિમ મૌલવીઓએ પણ સજાતીય સંબંધોને ઇસ્લામ અને શરીઅતના કાયદાની વિરૂદ્ધના ગણાવ્યા છે. જ્યારે હિન્દુ મહાસભાના પ્રમુખે સજાતીય સંબંધોને ભારતીય મૂલ્યો અને પ્રકૃતિને નાશ કરવાની દુષ્ટ અને ભયંકર ઝુંબેશ જાહેર કરી છે.
મૌલાના સલીમ કાસિમે જણાવ્યું કે અલ્લાહે ધરતી પર બધા સમુદાયો માટે પતિ અને પત્ની વચ્ચેના સંબંધોથી માનવ વસતી વધારવા માટે એક વ્યવસ્થા આપી છે. પતિ અને પત્ની વચ્ચેના સંબંધો સિવાય અન્ય કોઇ પણ પ્રકારના જાતીય સંબંધો પ્રતિબંધિત અને ગેરકાનૂની છે. તેમણે સજાતીય સંબંધોને ગંદા, તરંગી અને પ્રકૃતિ વિરૂદ્ધના ગણાવ્યા છે. સાચી વિચારસરણીવાળી કોઇ પણ વ્યક્તિ સજાતીય સંબંધોનો સ્વીકાર નહિં કરે. જ્યારે, અખિલ ભારતીય હિન્દુ મહાસભાના ઉત્તર પ્રદેશના પ્રમુખ યોગેન્દ્ર કુમાર વર્માએ સુપ્રીમકોર્ટના ચુકાદાને હિન્દુ સંસ્કૃતિનો નાશ કરવાનું કાવતરૂં ગણાવ્યો છે. ઓલ ઇન્ડિયા શીખ કોન્ફરન્સના ગુરચરણસિંહ બાબરે જણાવ્યું કે સુપ્રીમકોર્ટનો ચુકાદો બધા ધર્મોની વિરૂદ્ધમાં છે. ચર્ચના ફાધર રમેશ પાઠકે સુપ્રીમકોર્ટના ચુકાદાને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને ચુકાદાને બાઇબલના કાયદાની વિરૂદ્ધનો ગણાવ્યો છે.