પાટણમાં સમસ્ત રઘુવંશી લોહાણા સમાજની મહિલાઓ-આગેવાનો દ્વારા કલે.ને આવેદન

પાટણ,તા.૨૩
પાટણમાં રઘુવંશી લોહાણા સમાજની બહેન, દીકરીઓ અને માતાઓ ઉપર થયેલી અભદ્ર ટીપ્પણીની ઘટનામાં જિલ્લા પોલીસતંત્ર દ્વારા ઓરાપીઓને ઝડપવામાં સંતોષકારક કામગીરી કરવામાં નહીં આવતા આજે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજની મહિલાઓ અને આગેવાનો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રતિક ધરણા કરી ન્યાય આપો… ન્યાય આપો…આરોપીઓને ઝડપી પાડો..ના સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
તાજેતરમાં રઘુવંંશી લોહાણા સમાજની તમામ મહિલાઓ વિશે સોશિયલ મીડિયામાં સભ્ય સમાજને ન શોભે તેવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા સમગ્ર સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ત્યારે આવુ કૃત્ય કરનાર આરોપીઓને સત્વરે ઝડપી પાડવામાં આવે તેવી માંગ સાથે ૧પ દિવસ પહેલા રઘુવંશી લોહાણા સમાજ દ્વારા મૌન રેલી યોજી જિલ્લા એસપીને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે જિલ્લા એસ.પી.એ આ ઘટનાને નિંદનીય ગણાવી ઝડપથી આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી થશે તેવો સંતોષકારક જવાબ આપ્યો હતો. પરંતુ આજદિન સુધી પોલીસ દ્વારા કોઈ જ સંતોષજનક કામગીરી કરવામાં ન આવતા આજે ફરી એકવાર લોહાણા સમાજની મહિલાઓ અને આગેવાનોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રતિક ધરણા યોજી મહિલાઓને ન્યાય આપો. નરાધમને સજા કરો.. જેવા સૂત્રો પોકારી પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. ત્યારબાદ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જ્યાં સમાજની વેદનાને સાંભળી જિલ્લા કલેકટરે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા હકારાત્મક વલણ અપનાવ્યું હતું. જો આગામી દિવસોમાં આરોપીઓને ઝડપી પાડવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના રઘુવંશી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks