
(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા. ૬
એસસી/એસટી એક્ટના વિરોધમાં સવર્ણ સંગઠનોએ આજે આપેલા “ભારત બંધ”ના એલાનની ધોળકા શહેરમાં કોઈ ખાસ અસર જોવા મળી ન હતી. માત્ર કલીકુંડ વિસ્તારમાં બંધની અસર હતી. કલીકુંડ સજ્જડ બંધ રહ્યું હતું. જ્યારે અન્ય તમામ વિસ્તારો ધમધોકાર ચાલુ રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ એસસી/એસટી એક્ટના વિરોધમાં સવર્ણ સંગઠનોએ છઠ્ઠી સપ્ટેમ્બરના આપેલા “ભારત બંધ”ના એલાન સંદર્ભે અમદવાદ જિલ્લાના ધોળકા શહેરમાં સવારે ૪૦ જેટલા સવર્ણ યુવકો કલીકુંડ વિસ્તારમાં બંધ કરાવવા નીકળ્યા હતા. કલીકુંડ સર્કલ તથા તેની આસપાસના એરિયામાં આવેલી દુકાનો તથા સરોડા રોડ પર આવેલી દુકાનો બંધ કરાવી હતી. કલીકુંડ વિસ્તારની શાળાઓ પણ બંધ કરાવી હતી. જો કે, કલીકુંડ પોલીસ ચોકીથી પાશ્વનાથ હોસ્પિટલ સર્કલ સુધી તમામ દુકાનો ખુલ્લી રહેવા પામી હતી. ત્યાં બંધની કોઈ અસર દેખાઈ ન હતી. સવર્ણ યુવકોનું ટોળું ધોળકાના બજારો, બસ સ્ટેન્ડ વિસ્તાર, મધિયા વિસ્તારમાં બંધ કરાવવા નીકળ્યું હતું પરંતુ દુકાનદારોએ પોતાના વેપાર-ધંધા ચાલુ રાખ્યા હતા. શેઠ હસનઅલી હાઈસ્કૂલ, બી.પી. દાવડા સરસ્વતી વિદ્યાલય ખાતે જઈ આ સ્કૂલો તથા ધોળકા આર્ટસ એન્ડ કોમર્સ કોેલેજ બંધ કરાવી હતી. “ભારત બંધ”ના એલાન દરમ્યાન ધોળકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ધોળકા પોલીસે ચાંપતી નજર રાખી હતી.