કામ મોડું કરનારા કોન્ટ્રાકટર સામે કાર્યવાહીને બદલે અધિકારીને નોટિસ

અમદાવાદ, તા.૨૩
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણીનગરની એલ.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોન્ટ્રાકટરને પેમેન્ટ મોડું કરવાના મામલે શોકોઝ નોટિસ ફટકારી દેતા આ મામલે વિપક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરનો ખુલાસો માગવાની સાથે આ મામલે વિજિલન્સ તપાસની માગણી કરવામા આવી છે.આ અંગેની વિગત એવી છે કે,એલ.જી. હોસ્પિટલના જુના બિલ્ડીંગમાં સબ સ્ટેશન બનાવી વીજ સપ્લાય વધારવા માટે યુનાઈટેડ ટ્રાન્સફોર્મર નામની કંપનીને રૂપિયા ૧.૫૦ કરોડના ખર્ચ સાથે કામગીરી સોંપવામા આવી હતી.આ કંપની દ્વારા જે સમયે કામગીરી ચાલી રહી હતી તે વખતે ૧૬ વખત હોસ્પિટલનો વીજ પુરવઠો ખોરવાઈ જતા હોસ્પિટલમા સારવાર લઈ રહેલા દર્દીઓના જીવ જોખમમા મુકાતા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા કોન્ટ્રાકટરની બેદરકારી અને મોડી કામગીરી બદલ રૂપિયા ૮૧ લાખના મુકવામા આવેલા બીલને અટકાવી દીધુ હતુ આ પેમેન્ટ પાછળથી કરવામા આવતા કોન્ટ્રાકટર દ્વારા બીજુ રૂપિયા ૩૮ લાખની રકમનુ પેમેન્ટ લેવા બીલ મુક્યુ હતુ.દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોન્ટ્રાકટર સામે પગલા લેવા કાર્યવાહી કરવાના બદલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને જ શોકોઝ નોટિસ ફટકારી દેતા વિવાદ વકર્યો છે.વિપક્ષનેતા દિનેશશર્માએ આ મામલે કહ્યુ કે,કયાંક કોન્ટ્રાકટરને ઝડપથી પેમેન્ટ મળે એ માટે સુપ્રિન્ટેન્ડેન્ટને શોકોઝ આપવામા આવી હોય એમ લાગે છે.કામમા બેદરકારી દાખવનારા કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરનારા અધિકારીને બિરદાવવાના બદલે કમિશનરે કયા કારણસર નોટિસ આપી છે એ મામલે તેઓ ખુલાસો કરે.આ સાથે જ તેમણે કહ્યુ કે,આ કામ જે સમયે કમિટીમા મંજુર કરવામા આવ્યુ હતુ એ સમયે પણ કામના મુળ અંદાજ રૂપિયા ૨.૨૫ કરોડના બદલે રૂપિયા ૧.૫ કરોડની દરખાસ્ત મંજુર કરવામા આવી હતી.મ્યુનિસિપલ કમિશનર આ કોન્ટ્રાકટર દ્વારા બરોબર કામ કરવામા આવ્યુ છે કે કેમ તે મામલે વિજિલન્સ તપાસ કરાવે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks