કમલ હાસને દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા વાઢેરા સાથે મુલાકાત કરી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસને બુધવારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાઢરા સાથે નવી દિલ્હીમાં રાહુલના નિવાસસ્થાને મુલાકાત કરી છે. રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ તમિળ સુપરસ્ટારે જણાવ્યું કે રાહુલ ગાંધી સાથે આ તેમની વિનમ્ર મુલાકાત હતી. કમલ હાસન અને રાહુલ ગાંધીએ બેઠક દરમિયાન તમિળનાડુની પરિસ્થિતિ અને રાજકારણ સહિત ઘણા મુદ્દાઓ અંગે ચર્ચા કરી છે. દરમિયાન, તમિળ સુપરસ્ટારે તેમના પક્ષના રજીસ્ટ્રેશન અંગે ચર્ચા કરવા માટે ચૂંટણી અધિકારીઓ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી અને પત્રકારોને જણાવ્યું કે ટૂંક સમયમાં તેમની પાર્ટી રજીસ્ટર્ડ થઇ જશે. હું ઔપચારિક મુલાકાત માટે દિલ્હી આવ્યો છું. ચૂંટણી પંચના અધિકારીઓએ તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા અને ચૂંટણી પંચને કોઇ ભારે વાંધા નથી.
મુલાકાત બાદ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યું કે કમલ હાસનને મળીને સારૂં લાગ્યું. અમે તમિળનાડુમાં રાજકીય પરિસ્થિતિ સહિત બંને પક્ષો સાથે સંબંધિત ઘણા મુદ્દાઓ અંગે ચર્ચા કરી છે. કમલ હાસને પોતાની રાજકીય પાર્ટી ‘મક્કલ નીધિ મય્યમ’ શરૂ કરીને ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં જ રાજકારણમાં ઝંપલાવ્યા છે. કમલ હાસને દિલ્હીના ઉપરાજ્યપાલના નિવાસે ધરણા પર બેઠેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને પોતાનું સમર્થન આપ્યું હતું.
દરમિયાન, કમલ હાસને જણાવ્યું કે ચૂંટણી પંચના અધિકારીઓએ તેમના પક્ષના રજીસ્ટ્રેશન માટે કોઇ સમયમર્યાદા બતાવી નથી. પક્ષના ચૂંટણી પ્રતીક પૂછવામાં આવતા તેમણે કહ્યું કે આ વિષય અંગે હજી કોઇ નિર્ણય લીધો નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts