વાપી, તા.૧૭
વાપી શહેરમાં નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત કરવા માટેની કામગીરી તથા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજરોજ વાપી નગરપાલિકાનાં અધિકારી પંકજ ઝાની આગેવાની હેઠળ દબાણ દૂર કરવા માટે અને પ્લાસ્ટિકની થેલીઓ કબજે કરવા માટે પૂરી ટીમ કચરાના ટ્રેક્ટર સાથે કોપરલી ચાર રસ્તા સિગ્નલ પરથી ઈમરાન નગર પાસેથી શરૂ કરીને વાપી જી.આઇ.ડી.સી. ચાર રસ્તા સુધી કરવામાં આવી હતી.
તમામ દુકાનદારો અને લારી ગલ્લા, કેબિનો વાળાઓને પંકજ ઝા તરફથી સખ્ત રીતે શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જો હવે પછી કોઈ પણ જાતની પ્લાસ્ટિકની થેલીઓ લારી-ગલ્લા કેબિનો અને દુકાનોમાં જોવામાં આવશે તો તેઓની સામે કડક કાર્યવાહી તથા દંડ સહિત પગલાં લેવામાં આવશે તથા દુકાનની બહાર કચરો નાખવા માટે કચરાપેટી ફરજિયાત રાખવી જરૂરી છે, જો કચરો દુકાનોની પાસે રોડ પર હશે તો તેઓની સામે રૂપિયા ૫૦૦૦ના દંડની રકમની વસુલાત કરવામાં આવશે.
તથા રોડ પર આવેલા લારી-ગલ્લા કેબિનોના દબાણ તથા પ્લાસ્ટિકના શેડ પણ દૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકાના આ વાપી શહેરમાં પ્લાસ્ટિક મુક્ત કરવા માટેની કામગીરી અને ઝુંબેશ જે રીતે શરૂ કરવામાં આવી છે તે ઝુંબેશ ફક્ત લારી-ગલ્લા અને કેબિનો સુધી જ મર્યાદિત સિમિત રહેશે કે પછી રોડ ઉપર આવેલા છે ચાર રસ્તા સુધીનો માર્ગ ઉપર દબાણો દૂર કરશે ? અથવા ફક્ત આ કામગીરી ગરીબ વર્ગના મજબુર શ્રમજીવી પરિવારના લારી-ગલ્લા કેબિનો દૂર માટેની જ કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે.તેથી વાપી શહેરમાં નગરપાલિકા દ્વારા રોડ ઉપર આવેલા શોપિંગ સેન્ટરના પાર્કિંગ માટેના દબાણ તથા તમામ પ્રકારના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે કે, નહીં તે અંગે વિચારણા કરવા માટેની માહિતી આવનાર સમયમાં ખબર પડશે !!!?