(એજન્સી) મુંબઈ, તા.૬
કમલા મિલ કંપાઉન્ડ પબમાં લાગેલી આગની ઘટનામાં ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટે પોતાની તપાસ રિપોર્ટ રજૂ કર્યો છે. તપાસમાં થયેલા ખુલાસા અનુસાર, આગની શરૂઆત મોજોસ બ્રિસ્ટો પબથી થઈ હતી. આગનું કારણ હુક્કાથી નીકળેલી ચિનગારી હતી. આ ચિનગારીને કારણે કાપડના એક ટુકડા પર આગ લાગી અને થોડા સમયમાં સમગ્ર પબમાં ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ૧૪ લોકોનાં મોત થયાં છે. મુંબઈ પોલીસે ફરાર થયેલા રેસ્ટોરન્ટના માલિકની જાણકારી આપનારને ૧ લાખના ઈનામની જાહેરાત કરી હતી. પોલીસે તેના પોસ્ટર શહેરના અલગ અલગ વિસ્તારમાં લગાડ્યાં છે. મોજોજ પબના યુગ તુલી અને યુગ પાઠક સહિત એક મેનેજરની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવ્યાનુસાર, જ્યારે આગ લાગી ત્યારે જોતજોતામાં તે ફેલાઈ ગઈ હતી. કારણ કે મોજોસ બ્રિસ્ટો અને વન અબવ રેસ્ટોરન્ટ ઉપરના માળે છે. તેથી બન્નેની છત પણ એક જ હતી. તેમાં પ્લાસ્ટિક અને વાંસની પટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે આ આગ મોજોસ પબના સાઉથ ઈસ્ટના ડાયરેક્શનની સાથે એક ખૂણામાંથી શરૂ થઈ હતી. ૩૧ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને તેમાં સજાવટ કરવામાં આવી હતી જેને કારણે આગ મોટા વિસ્તારમાં ફેલાઈ હતી. મોજોસ બ્રિસ્ટો પબમાં ગેરકાયદેસર હુક્કાબાર ધમધમી રહ્યું હતું, તેને કારણે આગ લાગી હોવાનો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, ઘણા સાક્ષીઓએ એવી પણ કબૂલાત કરી હતી કે ઘટના સમયે મોજો બ્રિસ્ટોમાં હુક્કો પીરસવામાં આવ્યો હતો જેને કારણે આગ લાગી. મુંબઈ ફાયર બ્રિગેડ તપાસનીસ અધિકારીઓએ કહ્યું કે સ્ટવમાંથી સળગતો અંગારો કાઢીને હુક્કામાં રાખવામાં આવ્યો અને તેને કારણે આગ લાગી હોવાની પણ શક્યતા છે. મોજોસ અને વન અબવ હોટલમાંથી બહાર નીકળવાનો રસ્તો અને લિફ્ટ એક જ હતી. આગ લાગ્યા બાદ તમામ લોકો લિફ્ટ તરફ ભાગ્યાં હતા અને ત્યાં ભીડ જમા થઈ હતી. લિફ્ટ દ્વારા ફક્ત ૫ લોકો જ બહાર આવી શકતાં હતા પરંતુ ઘટના સમયે પબમાં ૨૦૦થી ૨૫૦ લોકો હતા.