કપરાડા-ડાંગ-સાબરકાંઠા-ટંકારામાં બારે મેઘ ખાંગા : રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ

વિરામ બાદ ફરી એકવાર વલસાડ, ડાંગ, સાબરકાંઠા, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ પડતાં લોકોએ રાહત અનુભવી હતી. ભારે  વરસાદને પગલે કયાંક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો કયાંક નદીઓનું પાણી બ્રિજ ઉપરથી વહેતા ગામો વચ્ચેના સંપર્ક કપાઈ ગયા છે. ત્યારે વલસાડ જિલ્લામાં ગતરાત્રિથી પડી રહેલા વરસાદને પગલે અનેક નીચાણવાળા પુલ ઉપરથી પાણી ફરી વળતા કેટલાક ગામોમાં સંપર્કો કપાયા હતા. કપરાડા તાલુકાના પાનસ અને ખેરડીને જોડતો આમધા ગામના ખૂટલી નજીકના નદીના બ્રિજ ઉપરથી પાણી ફરી વળતા સંપર્કો કપાયા હતા. વલસાડના કપરાડા સહિત વાપી, ઉમરગામ, પારડી, ધરમપુર તાલુકાના પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો , વાપીમાં ફરી એકવાર રેલવે અન્ડરબ્રિજ તળાવમાં ફેરવાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદને પગલે દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા પણ મધુબન ડેમ પરના દસ દરવાજા ૧. ૫ મિટર સુધી ખોલવાની ફરજ પડી છે જેને કારણે દમણગંગા નદી ગાંડીતુર બની છે. ભારે પાણીની આવકને લઇને તંત્ર દ્વારા મધુબનમાંથી હાલ ૧૧,૦૦૦૦ ક્યુસેક પાણી દર કલાકે છોડવંુ પડી રહ્યું છે જે માટે પ્રશાસને આસપાસના ગામ લોકોને એલર્ટ રહેવા ચેતવણી આપી છે. પ્રસ્તુત તસવીરોમાં પ્રથમ તસવીરમાં વલસાડમાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળેલા પાણી, બીજી તસવીરમાં ભારે વરસાદથી અમદાવાદના વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારની અને ત્રીજી તસવીરમાં વરસાદને પગલે જનજીવનને અસર પડી હતી તે નજરે પડે છે.

 

 

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૪
રાજ્યમાં ઠેર-ઠેર સાર્વત્રિક વરસાદને લઈને પાણી જ પાણી થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર વગેરેમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદથી પાણી ભરાઈ જવાના બનાવો બન્યા છે તો ડાંગ, વલસાડ, સાબરકાંઠા ભારે વરસાદ ખાબકતા જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે અને તેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. ડાંગની અંબિકા, સાંબરકાંઠાની સેઈ અને પનારી નદીઓમાં પુર આવ્યા છે. અંબિકા નદીમાં પૂરને લઈ ૩રથી વધુ ગામોમાં અને સાબરમતી કાંઠાના ૧૪ ગામોને એલર્ટ કરાયા છે.
દ.ગુજરાતના કપરાડામાં સૌથી વધુ સવા આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે તો ડાંગમાં છ ઈંચ અને સાપુતારા, મોરબી ટંકારામાં પાંચ ઈંચ વરસાદ પડતાં જળબંબાકાર સ્થિતિ સર્જાવા પામી છે. હજુ પણ આગામી સમયમાં વરસાદ જારી રહેવાની આગાહી હવામાન ખાતા તરફથી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં જોડિયામાં ઉડ-ર ડેમ ઓવરફ્લો થતાં તેના રપ દરવાજા ચાર ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. જેને પગલે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. ૧ર ગામોનો સંપર્ક તૂટી જવા પામ્યો છે. જામનગર, વીંછિયા-ધ્રોલમાં પણ વરસાદ ખાબક્યો છે. પાણી ભરાતા મોરબી-ટંકારાના મફ્તિયાપરા વિસ્તારના ૧ર૦ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું.
કુમાલબંધ અને ચીખલદા કોઝવે પર પૂરના પાણી ફરી વળતાં આઠ ગામો સંપર્કવિહોણાં બન્યા હતા. આ જ રીતે, સાબરકાંઠામાં ઉપરવાસના ભારે વરસાદને કારણે સેઇ અને પનારી નદીમાં પૂર આવ્યા હતા. સાબરમતી નદીમાં પણ નવા નીરની આવક વધતાં કાંઠાના ૧૪ ગામોને એલર્ટ કરાયા હતા. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના પંથકોમાં મેઘરાજા મહેરબાન રહ્યા હતા અને મન મૂકીને વરસ્યા હતા. પહેલા રાઉન્ડમાં મન મૂકીને વરસ્યા બાદ મેઘરાજાએ દસ-પંદર દિવસનો વિરામ લીધા બાદ બીજા રાઉન્ડમાં પણ આજે ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. અમદાવાદ શહેરમાં ગઇ મોડી રાતથી શરૂ થયેલો વરસાદ આજે સવારે ૧૦-૩૦ સુધી ઝરમર ઝરમર અને ધીમી ધારે વરસતો રહ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક છવાઇ ગઇ હતી. તો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તેમની વધારે પડતી કહી શકાય એવી મહેરબાની વરસાવી હતી. જેના પરિણામે, ઉત્તર ગુજરાતના મહેસાણા, કડી, પાટણ, સાંતલપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી સહિતના ક્ષેત્રોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના પંથકોમાં મોટાભાગના વિસ્તારોમાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે જિલ્લાની સેઇ અને પનારી નદીઓમાં પૂર આવ્યા હતા. બીજીબાજુ, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જળબંબાકારનો માહોલ સર્જયો હતો. ખાસ કરીને વલસાડના કપરાડામાં આઠ કલાકમાં સવા આઠ ઇંચથી વધુ મેહુલિયો ખાબકતાં જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું હતું. ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ અને નદી, નાળા, તળાવો છલકાઇ ગયા હતા. તો, ડાંગમાં પણ ખાબકેલા છ ઇંચ વરસાદે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. ડાંગના સાપુતારા, આહવા સહિતના વિસ્તારોમાં ત્રણથી પાંચ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. અંબિકા નદીમાં તો ઘોડાપૂર આવતાં કુમાલબંધ, માલુંગા, સુપરાહડ, ઘોડવહલ સહિતના આઠ ગામો સંપર્કવિહોણાં બન્યા હતા. કુમાલબંધ અને ચીખલદા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. આ જ પ્રકારે વલસાડના ધરમપુર, વાપી, કપરાડા, સુરત, નવસારી, જામનગર સહિતના વિસ્તારો અને પંથકોમાં પણ સારો એવો વરસાદ પડયો હતો. તો કચ્છ-સૌરાષ્ટ્‌માં પણ મેઘરાજાએ પ્રમાણસર વરસાદ વરસાવી લોકોને ખુશ કરી દીધા હતા. સાબરકાંઠા જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ નોંધાયો હતો. ઉપરવાસના અતિભારે વરસાદના કારણે જિલ્લાની સેઇ અને પનારી નદીઓમાં પૂર આવ્યા હતા. પાણીની જોરદાર આવકને પગલે બંને નદીઓ નિયત સપાટીથી ઉપર વહી રહી હતી. જેના કારણે આસપાસના ગામો અને લોકોને એલર્ટ કરી સલામત સ્થળે ખસેડાયા હતા.
અંબિકા નદીમાં ઘોડાપૂરથી ૩૨થી વધુ ગામોમાં એલર્ટ

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવા નીરના આવક થતાં અંબિકા નદીમાં આવેલા ઘોડાપૂરને પગલે ગણદેવી તાલુકાના ૨૨ અને ચીખલી તાલુકાના ૧૦ મળી કુલ ૩૨થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચનાઓ તંત્ર દ્વારા જારી કરી દેવાઇ છે. અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ જોઇ હાલ પૂરતું તો તંત્ર પણ ચિંતાતુર બન્યું છે અને પાણી ઓસરવાની રાહ જોઇ રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસના ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પણ નવા નીરની આવક થઇ રહી છે. પાણીની વધતી આવક જોઇને તંત્ર દ્વારા સાબરમતી નદીના કાંઠાના ૧૪ જેટલા ગામોને એલર્ટ કરી દેવાયા છે.
મા.આબુમાં મુશળધાર ૧પ ઇંચ વરસાદથી ભારે તારાજી : બેનાં મોત

પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧પ ઇંચ વરસાદ સાથે બારે મેઘ ખાંગા થયા હતા. જેને પગલે માઉન્ટ આબુમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ બની હતી. લોકોના ઘરોમાં-દુકાનોમાં અને બજારોમાં પાણી ફરી વળ્યા હતા. તો વરસાદને પગલે દીવાલ પડતા બેનાં મોત અને પાંચ ઘાયલ થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ૧પ ઇંચ વરસાદને પગલે આબુનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ હતું, સ્થાનિક લોકોથી લઇ પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. વૃક્ષો પડવાના કારણે વાહનોને નુકસાનીના બનાવો પણ સામે આવ્યા હતા. વરસાદી તારાજી વચ્ચે ફસાયેલી છ વ્યકિતઓને સ્થાનિક તંત્ર દ્વારા બચાવી લેવાઇ હતી. આગામી ૨૪થી ૪૮ કલાક દરમ્યાન રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત સહિતના રાજયના કેટલાક વિસ્તારોમાં તો બારે મેઘ ખાંગા થવાની શકયતા વ્યકત કરાઇ છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા ગુજરાત પર અપરએર સાયકલોનીક સરકયુલેશન સીસ્ટમ અને ઉત્તરપ્રદેશ ઉપર સર્જાયેલી લોપ્રેશર સીસ્ટમ સક્રિય થઇ છે, જે ગુજરાત તરફ આગળ વધી રહી છે. બંને સીસ્ટમના લીધે આગામી બે દિવસ દરમ્યાન રાજયના ઘણા ખરા વિસ્તોરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તંત્ર દ્વારા અગમચેતીના પગલારૂપે દરિયાઇ વિસ્તારોમાં પણ માછીમારોને દરિયો નહી ખેડવા કડક સૂચનાઓ જારી કરાઇ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts