(એજન્સી) કરાચી, તા.ર૪
પાકિસ્તાની મહિલા પોલીસ અધિકારી સુહાઈ અજીજ તલપુરની હિંમતની પાકિસ્તાન સહિત આખું વિશ્વ પ્રશંસા કરી રહ્યું છે. સુહાઈ પાકિસ્તાનની સિંધ પોલીસમાં સહાયક સુપ્રિન્ટેન્ડેન્ટ છે. તેમણે ર૩ નવેમ્બરે પાકિસ્તાનના કરાચી સ્થિત ચીનના વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલા દરમિયાન સુરક્ષા ઓપરેશનનું નેતૃત્વ કર્યું અને પોતાની સમજદારી અને હિંમતના કારણે હુમલાને નિષ્ફળ બનાવી દીધો. આ હિંમતવાન મહિલા અધિકારીએ અનેક ચીની કર્મચારીઓ અને અધિકારીઓના જીવ બચાવી લીધા હતા. ક્યારેક સુહાઈને ખાનગી સ્કૂલમાં એડમિશન લેવાના કારણે તેના ઘરના લોકોએ જ તેને છોડી દીધી હતી, આજે સંપૂર્ણ પાકિસ્તાનમાં તેની પ્રશંસા થઈ રહી છે. ગામડાની આ બાળકી હવે કરાચી પોલીસની મહિલા અધિકારી બની ચૂકી છે. શુક્રવારે કરાંચીમાં જ્યારે આધુનિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ ચીનની વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કર્યો તો આ હિંમતવાન મહિલા પોલીસ અધિકારીએ પોતાનો જીવ જોખમમાં નાખીને મિશનના અનેક સ્ટાફનો જીવ બચાવ્યો હતો. સુરક્ષા કર્મચારીઓએ આતંકવાદીઓના આ હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો. મહિલા અધિકારી સુહાઈએ સુનિશ્ચિત કર્યું કે, ૯ હેન્ડ ગ્રેનેડો, અસોલ્ટ રાઈફલો સહિત મોટા પ્રમાણમાં વિસ્ફોટકોની સાથે આવેલા આતંકી વાણિજ્ય દૂતાવાસની બિલ્ડીંગની અંદર ડિપ્લોમેટિક સ્ટાફ પાસે પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓ પાસે ખાવાનો સામાન અને દવાઓ પણ હતી. જેનાથી સ્પષ્ટ છે કે તેઓ બંધક બનાવવાના ઉદ્દેશ્યથી આવ્યા હતા. જો કે આતંકવાદી પોતાના ઉદ્દેશમાં સફળ થઈ શક્યા ન હતા. જેવા જ તેઓ કોન્સ્યુલેટના ગેટ પર પહોંચ્યા, પોલીસની ટીમે પોઝિશન લેતા જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ અથડામણમાં બે પોલીસ અધિકારી મૃત્યુ પામ્યા અને તમામ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સુહાઈ સિંધ રાજ્યમાં તાંડો મોહમ્મદખાન જિલ્લાના ભાઈખાન તાલપુર ગામના એક નિમ્ન, મધ્યમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એક્સપ્રેસ ટ્રિબ્યુનલની રિપોર્ટ અનુસાર ર૦૧૩માં સેન્ટ્રલ સુપીરિયર સાર્યસીજ પરીક્ષા પાસ કર્યા બાદ તે પોલીસ ફોર્સમાં સામેલ થઈ હતી. સુહાઈએ વર્તમાનપત્રને જણાવ્યું કે, જ્યારે મારા માતા-પિતાએ સ્કૂલમાં એડમિશન અપાવવાનો નિર્ણય કર્યો તો અમારા વધુ પડતા સંબંધીઓ અને પરિચિતોએ પરિવાર પર કટાક્ષ કરવાનું શરૂ કરી દીધું હતું. વાતાવરણ એવું થઈ ગયું કે વિવશ થઈને મારા પરિવારને ગામ છોડવું પડ્યું અને નજીકના એક ગામમાં શિફ્ટ થવું પડ્યું હતું. તે જણાવે છે કે, મારા ઘરના લોકો મને સીએ બનાવવા ઈચ્છતા હતા પરંતુ મને આ ઘણું નીરસ કામ લાગતું હતું. કારણ કે તેની સોશિયલ વેલ્યુ નથી માટે હું સીએસએસમાં સામેલ થઈ અને પહેલાં જ પ્રયાસમાં પાસ થઈ ગઈ. સુહાઈ સફળતાનો શ્રેય પોતાના કઠિન પરિશ્રમ અને માતા-પિતાને આપે છે.