National

કર્ણાટકના કોંગ્રેસ નેતાઓને ૧૩ જાન્યુઆરીએ મળશે રાહુલ, રાજ્યની ચૂંટણીલક્ષી રણનીતિ અંગે થશે મંત્રણા

(એજન્સી) નવી દિલ્હી, તા.૮
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કર્ણાટક કોંગ્રેસના નેતાઓ સાથે ૧૩ જાન્યુઆરીએ દિલ્હીમાં મુલાકાત કરશે. કર્ણાટકમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર એવા પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે જેનાથી કર્ણાટકના લોકો સાથે વધુમાં વધુ જોડાઈ શકાય. કોંગ્રેસની કર્ણાટક યુનિટ દ્વારા પહેલાંથી જ પાર્ટીના નવા નિયુક્ત થયેલ અધ્યક્ષ રાહુલ ગાંધીને આ દક્ષિણી રાજ્યમાં પ્રચાર અભિયાન શરૂ કરવાનો આગ્રહ કરાયો છે. કર્ણાટકના કોંગ્રેસ પ્રભારી મહાસચિવ કે.સી.વેણુગોપાલે કહ્યું કદાચ ર૦ જાન્યુઆરી બાદ તેઓ રાજ્યમાં પ્રચાર અભિયાન શરૂ કરશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પ્રદેશમાં ૧ર૦ કોંગ્રેસ ધારાસભ્યોના ચૂંટણી ક્ષેત્રમાં જનસંપર્કનો કાર્યક્રમ સમાપ્ત કરી ચૂક્યા છે. રાજ્યના અન્ય ક્ષેત્રોમાં પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ મુલાકાત લઈ રહ્યા છે. ર૦ જાન્યુઆરી બાદ કેન્દ્રીય નેતાઓ પણ કર્ણાટક પહોંચશે. આ દરમ્યાન પક્ષના કર્ણાટક સચિવ અને પૂર્વ સાંસદ મધુગૌડ પક્ષી રાહુલ ગાંધીના બેહરીન પ્રવાસનો સમન્વય જોઈ રહ્યા છે. નોંધનીય છે કે અખાતી દેશોમાં મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીયો રોજગાર માટે સ્થાયી થયેલ છે. રાહુલ ગાંધીના આ વિદેશ પ્રવાસને ચૂંટણી સાથે સાંકળવામાં આવી રહ્યો છે.