(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની મેજબાની કરી રહેલા કર્ણાટકના મંત્રી ડીકે શિવકુમારના રિસોર્ટ પરના આઈટી દરોડાના મુદ્દે સંસદના બન્ને ગૃહોમાં ભારે હોબાળો મચ્યો હતો. આ ઘટનાને પગલે કોંગ્રેસે વડાપ્રધાન મોદીની ભાજપ સરકાર પર અભૂતપૂર્વ વિચહન્ટનો આક્ષેપ કર્યો હતો. ડીકે શિવકુમાર પર આવકવેરા વિભાગના દરોડાની ગૂંજ બુધવારે સંસદમાં પડી હતી. કોંગ્રેસ સાંસદોએ લોેકસભા અને રાજ્યસભામાં આ મુદ્દે જોરદાર હોબાળો મચાવ્યો હતો. વરિષ્ઠ કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડેગેએ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોને ડરાવવા, ધમકાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ખડગેના જણાવ્યાનુસાર, ફક્ત એક રાજ્યસભા ઉમેદવારને હરાવવા માટે આવું તરકટ કરવામાં આવ્યું છે. પરંતુ ભાજપ તેમાં સફળ નહીં થાય. ઉલ્લેખનીય છે કે શિવકુમાર બેંગ્લોરની ઈગલટન હોટલમાં રોકાયેલા ગુજરાત કોંગ્રેસના ૪૦ કરતાં પણ વધારે ધારાસભ્યોની યજમાની કરી રહ્યાં છે. સરકાર વતી આ મુદ્દે અરૂણ જેટલીએ મોરચો સંભાળ્યો હતો. કોંગ્રેસના હુમલાનો જવાબ આપતાં જેટલીએ બન્ને ગૃહોમાં સરકારનો બચાવ કર્યો હતો. લોકસભામાં તેમણે કહ્યું કે દરોડા બાદ આરોપી મંત્રી રિસોર્ટમાં જઈને છુપાઈ ગયાં હતા. અધિકારીઓ તેમનું બયાન લેવા માટે રિસોર્ટમાં ગયાં હતા. રિસોર્ટ પર કોઈ દરોડા પડ્યાં નથી કે ન તો કોઈ કોંગ્રેસી ધારાસભ્યોની તલાશી લેવામાં આવી છે. જ્યારે અધિકારીઓ રિસોર્ટ પહોંચ્યાં ત્યારે ઘણા દસ્તાવેજોને ફાડવામાં આવી રહ્યાં હતા. આ કાગળોને અધિકારીઓએ કબજામાં લીધા હતા. નાણા મંત્રીએ છેલ્લે એવું પણ કહ્યું કે આ કાર્યવાહીને ગુજરાતની કોઈ ચૂંટણી કે રાજનીતિની સાથે નહીં પરંતુ આર્થિક અપરાધની સામે થયેલી કાર્યવાહી તરીકે જોવામાં આવે. રાજ્યસભામાં હંગામો ખડો કરી રહેલા સાંસદોએ વેલ સુધી ધસી આવીને ઉપસભાપતિ કુરિયનની સામે જોરદાર નારેબાજી કરી હતી. સાંસદોએ લોકશાહીની હત્યા બંધ કરો અને સરકારની તાનાશાહી નહી ચલેગી જેવી નારેબાજી કરી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાં કોંગ્રેસના સીનિયર નેતા આનંદ શર્માએ આ મુદ્દો ઉઠાવતાં એવું કહ્યું કે સરકારી મશીનરીનો ઉપયોગ કરીને રાજકીય હરીફોનું દમન કરવાની ફેશન બની ગઈ છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે આઈટી, સીબીઆઈ અને ઈડી જેવી કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિપક્ષને ડરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જે મંત્રીના ઘેર દરોડા પાડવામાં આવ્યાં છે તેઓ કોંગ્રેસી ધારાસભ્યોની યજમાન કરી રહ્યાં હતા. આ દરોડા નિશાન બનાવવાની રીત છે. વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે પણ કેન્દ્ર સરકારને આડે હાથ લેતાં કહ્યું કે રાજ્યસભાની ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શિતાના ધોરણે થવી જોઈએ. પહેલા ડરનો માહોલ વેસ્ટમાં હતો હવે સાઉથમાં પણ પહોંચી ગયો છે. ગુજરાતમાં ધારાસભ્યાના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો, હવે આ ખોફ દક્ષિણના ધારાસભ્યોમાં પ્રસરી ગયો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની એવી વાત કે તદ્દન ખોટી છે આ કાર્યવાહી પાર્ટી પર નહીં પરંતુ એક વ્યક્તિ પર કરવામાં આવી છે. આઝાદની વાતનો જવાબ આપતાં જેટલીએ કહ્યું કે જો ગેરકાયદેસર પૈસા અઁંગે સરકારને કાર્યવાહી કરવી હોય તો તેમણે તેના નેતાઓ પર દરોડા પાડવા જોઈએ. સરકાર વતી મોરચો સંભાળતા જેટલીએ કહ્યું કે કોઈ રિસોર્ટ પર દરોડા પાડવામાં આવ્યાં નથી કે કોઈ ધારાસભ્યની તલાશી પણ લેવામાં આવી નથી. કુલ ૩૯ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યાં છે. તે ઉપરાંત, જો કોઈ વ્યક્તિ કોંગ્રેસી ધારાસભ્યોની મેજબાનીમાં કામમાં વ્યસ્ત હોય તો તેવા વ્યક્તિને તેના ઘરમાં ગેરકાયદેસર રીતે પૈસા રાખવાનો કોઈ અધિકાર નથી.
આ ‘રેડ રાજ’, ભાજપ બધાને આવકવેરા
વિભાગનો ડર દેખાડવા માંગે છે : અહમદ પટેલ

ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના નેતા અહમદ પટેલે આઈટી દરોડા અંગે એવું કહ્યું કે આ ‘રેડ રાજ’, ભાજપ બધાને આવકવેરા વિભાગનો ડર દેખાડવા માંગે છે. ભાજપ કોંગ્રેસની એક બેઠક ઓછી કરવા માંગે છે. બેંગ્લોરના એક રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. ત્યાં બુધવારે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ સંબંધમાં વાત કરતાં તેમણે કહ્યું કે ભાજપનો ઈરાદો એવો છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસી કાર્યકરોનું મનોબળ તોડી પાડવામાં આવે. તેમણે આગળ કહ્યું કે ભાજપને એવું લાગી રહ્યું છે કે સોનિયા ગાંધીના રાજકીય સલાહકારને હરાવીને તેઓ સોનિયા ગાંધીને એક ધક્કો આપવા માંગે છે. ભાજપ જનતાને આ સંદેશ આપવા માંગે છે.