ગૌરી લંકેશ હત્યા : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાહુલ ગાંધીને વાકેફ કર્યા, SIT‌એ તપાસનો આદેશ આપ્યો

બેંગ્લુરૂ, તા. ૬
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ બુધવારે જણાવ્યું હતું કે, વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની હત્યામાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ કરશે જેની આગેવાની ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ કરશે. દરમિયાન ગૃહમંત્રી રાજનાથસિંહે હત્યા અંગે ચિંતા વ્યક્ત કરતા ગૃસચિવને રિપોર્ટ આપવા જણાવ્યું છે. ગૌરી લંકેશની હત્યામાં સીબીઆઇ તપાસની બળવત્તર બનેલી માગ અંગે મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ જણાવ્યું છે કે, તેઓ કેન્દ્રીય એજન્સીને તપાસ સોંપવા માટે પણ તૈયાર છે. દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે હત્યાકાંડ મામલે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને વાકેફ કર્યા છે. બેંગ્લુરૂમાં પત્રકારો સમક્ષ તેમણે જણાવ્યું હતું કે, હત્યા કેસમાં એસઆઇટી રચવામાં આવશે, એસઆઇટી રચવા મેં ડીજીપી અને આઇજીને નિર્દેશ આપી દીધા છે. ટીમ આ કેસમાં ઊંડી તપાસ કરશે.
સિદ્ધરમૈયાએ આ ઘટનાને એમએમ કલબુર્ગી, નરેન્દ્ર ડાભોલકર અને ગોવિંદ પાનસરે જેવા અન્ય અગ્રણી વિચારકો, બુદ્ધિજીવિઓની હત્યા સાથે સરખાવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે. અમે તમામ બુદ્ધિજીવિઓને રક્ષણ આપી રહ્યા છીએ. તમામ મુક્ત વિચાર ધરાવનારાઓને રક્ષણ આપવા મેં પોલીસને નિર્દેશ કર્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ આ પહેલા હત્યાને લોકશાહી પર હુમલો ગણાવી હતી. ગૌરી લંકેશની ઠંડા કલેજે થયેલી હત્યા બાદ બેંગ્લુરૂમાં આક્રોશ વધી રહ્યો છે. પત્રકારની હત્યાને વખોડવા પત્રકારોના જૂથો અને સામાન્ય લોકો સામે આવી રહ્યા છે. સમગ્ર ભારતના પત્રાકારો આ મુદ્દે એક થયા છે અને ઘટનાની ઝડપી તપાસ કરવા માગ કરી રહ્યા છે. લંકેશ પત્રિકેના વરિષ્ઠ પત્રકાર અને એડીટર ગૌરી લંકેશની હત્યાથી ધ એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા સ્તબ્ધ છે અને તેણે ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. ગૌરી લંકેશ મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્ર સરકારની ટીકી કરવા માટે જાણીતા હતા અને કોઇપણ ભય વિના અખબારો તથા અન્ય મંચો પર મુક્તમને પોતાના વિચારો વ્યક્ત કરતા હતા.
ગૌરીની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી
હત્યા, સીસીટીવીમાં કેદ
નિડર અને પ્રગતિશીલ લખાણ માટે જાણીતા ગૌરી લંકેશની તેમના બેંગ્લુરૂના નિવાસ બહાર જ ગોળીઓ મારી હત્યા કરી દેવામાં આવી હતી જે ઘટના તેમના ઘરના દરવાજા અને ગેટ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. તેઓ કારમાં ઘરે પરત ફર્યા હતા અને જેવો દરવાજો ખોલ્યો કે તરત જ આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમના ઘરના મુખ્ય દરવાજા આગળ લાગેલા સીસીટીવી કેમેરાના વીડિયોમાં દેખાઇ રહ્યું હતું કે, બે ગોળીઓ તેમની છાતીમાં અને એક કપાળ પર વાગી હતી. ગૌરી શંકર પર બ્લેક જેકેટ અને હેલ્મેટ પહેરીને આવેલા અજાણ્યા હુમલાખોરે ગોળીબાર કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks