(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૪
કર્ણાટકના ભાજપાધ્યક્ષ બી.એસ. યેદીયુરપ્પાએ રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ધમકી આપતાં કહ્યું છે કે તે પોતાની જવાબદારી પર પ્રભાવશાળી આરએસએસ નેતાની ધરપકડ કરે. ૧૩ જુલાઈ ર૦૧૭ના રોજ દક્ષિણ કન્નડમાં ભાજપના એક પ્રદર્શનમાં યેદીયુરપ્પાએ મુખ્યમંત્રીને ચેતવણી આપતાં કહ્યું છે કે જો આરએસએસ નેતા કલ્લડકા પ્રભાકર ભટ્ટની કોઈપણ કેસમાં ધરપકડ કરશે તો સંઘના તમામ કાર્યકરો રસ્તા પર આવી જશે. સમગ્ર રાજ્ય તેમની ધરપકડની વિરૂદ્ધ ભડકે બળશે. આગળ યેદીયુરપ્પાએ કહ્યું હતંુ કે માત્ર કોઈ પ્રદર્શનમાં સામેલ થવા પર કલ્લડકા પ્રભાકર વિરૂદ્ધ ફરિયાદ નોંધી શકાય નહીં. યેદીયુરપ્પાએ ધમકી આપતાં કહ્યું હતું કે જો સરકાર તેમની ધરપકડ કરી રાજ્યને ભડકે બાળવા માગે છે તો હું તેમને સાવધાની આપવા માગું છું કે સમગ્ર રાજ્યમાં આગ ફેલાઈ જશે. જો ત્યારબાદ રાજ્યમાં કાયદો-વ્યવસ્થા કથળી જશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે. નોંધનીય છે કે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પા એવા સમયે કલ્લડકા પ્રભાકરનો બચાવ કરી રહ્યા છે જ્યારે મીડિયામાં સમાચાર આવ્યા હતા કે સરકાર વિવાદિત ભાષણોને કારણે તેમની વિરૂદ્ધ પગલા લઈ શકે છે. યેદીયુરપ્પાએ કોંગ્રેસના બે મંત્રીઓ વિરૂદ્ધ રાજ્યમાં અશાંતિ ફેલાવવાનો આરોપ પણ મૂક્યો હતો. યેદીયુરપ્પા સિવાય ભાજપ સાંસદ સોભા કરંદલાજેએ પણ રામનાથ રાયને જાહેરમાં પડકાર આપતાં કહ્યું હતું કે એક વખત કલ્લડકા પ્રભાકરને અડી તો જુઓ. તેમની ધરપકડ કરવાનો પ્રયત્ન તો કરી જુઓ. જો આમ કરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ માટે જોખમકારક સાબિત થશે. રામનાથરાય રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્ય છે. ઉલ્લેખનીય છે કે કલ્લડકા પ્રભાકર ભટ શૈક્ષણિક સંસ્થા ચલાવે છે અને રાજ્યમાં તેમનો ઘણો પ્રભાવ છે. તેમના પર ઉશ્કેરણીજનક ભાષણો આપવાના પણ આરોપો મૂકવામાં આવ્યા છે.