(એજન્સી) બેંગ્લુરૂ, તા.૯
કર્ણાટક ચૂંટણી પ્રચાર સમાપ્ત થવામાં હવે થોડો જ સમય બાકી છે. એવામાં પ્રચારના છેલ્લા તબક્કામાં નેતાઓની તાબડતોડ રેલીઓ થઈ રહી છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના કોલારમાં રેલીનું સંબોધન કર્યું. રેલીમાં પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા અને વડાપ્રધાન પદ અંગે આપવામાં આવેલા તેમના નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો. બંગાર પેટની રેલીમાં વડાપ્રધાને કોંગ્રેસ પર કર્યા આ ૧૦ મોટા પ્રહારો
૧. આ ચૂંટણી કર્ણાટકના આવનારા પાંચ વર્ષનું ભવિષ્ય નક્કી કરશે.
ર. રાહુલનું નિવેદન નામદારના અહંકારને દર્શાવે છે. કોઈ કેવી રીતે પોતાની જાતને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી શકે છે.
૩. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના નામદાર, સોનાનો ચમચો લઈને પેદા થયા છે અને આ સોનું પણ વિદેશવાળું છે.
૪. મોદીને હટાવવા માટે ગઠબંધનની મીટિંગ ચાલી રહી છે. મોટા-મોટા દિગ્ગજોના પગ પકડવામાં આવી રહ્યા છે. આ તમામ દિગ્ગજોને અંધારામાં રાખીને પોતાને પીએમ ઘોષિત કરવા તે ગઠબંધનમાં જ અવિશ્વાસ છે.
પ. નામદારને ગઠબંધનના સાથી નેતાઓ પર ભરોસો ના હોય, જેનો અહંકાર સાતમા આસમાન પર પહોંચેલો હોય તેવા ‘અપરિપક્વ નામદાર’ને શું દેશની જનતા સ્વીકારશે ?
૬. કોંગ્રેસે કર્ણાટકના માન-સન્માનને હાનિ પહોંચાડી છે. સમગ્ર દેશના લોકોને કોંગ્રેસના કારસ્તાનોની જાણ થઈ રહી છે, તેથી સમગ્ર દેશમાંથી કોંગ્રેસને વિદાય આપવામાં આવી રહી છે.
૭. રેલીનું સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ જ્યારે સરકારમાં આવે છે તો તે માને છે કે જનતાએ તેમને ભ્રષ્ટાચાર કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.
૮. વડાપ્રધાને કહ્યું કે, ચાર વર્ષ બાદ પણ કોંગ્રેસ પોતાની હારનો સ્વીકાર કરી શકતી નથી, કોંગ્રેસ સંસદ ચાલવા દેતી નથી અને લોકશાહીનું અપમાન કરી રહી છે.
૯. તેમણે કહ્યું કે ન તો કોંગ્રેસ દિલવાળી છે અને ન તો દલિતોવાળી છે. આ કોંગ્રેસ માત્ર ડિલવાળી છે. આ જ કોંગ્રેસનું અસલી કારસ્તાન છે. આ ડીલવાળી વાત મોદી નહીં પરંતુ કોંગ્રેસના સાંસદ વિરપ્પા મોઈલીએ કહી છે.
૧૦. કોંગ્રેસ જૂઠું બોલવામાં એક્સપર્ટ છે અને ગમે તે જૂઠ્ઠાણું ચલાવે છે. હમણાં જ તેમણે જૂઠ્ઠાણું ચલાવ્યું કે, મોદી સરકાર એસસી-એસટી કાયદાને નબળો કરી રહી છે, પરંતુ હકીકત તો એ છે કે મોદી સરકારે આ કાયદાને મજબૂત કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરનું ઘણીવાર અપમાન કર્યું છે.