National

શું ગોવામાં જે રીતે જેટલીના આક્રમક બચાવે ભાજપને મદદ કરી હતી, તેમાંથી કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસને મદદ મળશે ?

(એજન્સી) તા.૧૬
તાજેતરમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં એકમાત્ર મોટા પક્ષ તરીકે ભાજપ ઉભરી આવ્યો હતો જેને આ ચૂંટણીમાં પણ ૧૦૪ બેઠકો પ્રાપ્ત થઈ હતી. જો કે તેને બહુમત મળી ન હતી. જ્યારે બીજીબાજુ કોંગ્રેસને ૭૮ અને જેડીએસને ૩૮ જેટલી બેઠકો મળી હતી. જેના કારણે પરિણામો આવવા છતાં સરકાર કયો પક્ષ બનાવશે તે અંગે ગુંચવણ યથાવત રહી હતી. કોંગ્રેસે આ દરમિયાન વધારે બેઠકો હોવા છતાં જેડીએસને મુખ્યમંત્રી પદ ઓફર કરીને સૌને ચોંકાવતા ભાજપના હાથમાંથી સરકાર આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. ગુલામનબી આઝાદે આ અંગે જાહેરાત કરી હતી. તેમણે જેડીએસ નેતાને મુખ્યમંત્રી બનાવવા માટેની પણ ઓફર કરી દીધી છે. દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને જેડીએસના વડા એચ.ડી. દેવગૌડાએ સાથે મળીને રાજ્યપાલની મુલાકાત લીધી હતી અને સરકાર રચવા માટે દાવો કર્યો હતો. જો કે બીજી બાજુ ભાજપના યેદિયુરપ્પાએ પણ તેમના સહયોગીઓ, સાથીદારો તથા રિપબ્લિક ટીવીના ફાઉન્ડર રાજીવ ચંદ્રશેખર સાથે મળીને ભાજપના નેતૃત્વ હેઠળ સરકાર રચવાનો દાવો કર્યો હતો. જો કે, રાજ્યપાલે તમામને એક જ જવાબ આપ્યો હતો કે હવે તેઓ બંધારણીય સલાહકારો સાથે ચર્ચા કરીને આ અંગે નિર્ણય કરશે કે કોણ સરકાર બનાવશે ? જો કે સરકાર રચવા ફક્ત ૧૧૩ સીટોની જરૂર છે અને જેડીએસ-કોંગ્રેસ મિલાવીને ૧૧૮ બેઠકોથી વધારે થઈ જાય છે. જો કે આ દરમિયાન કોંગ્રેસને યાદ આવ્યું કે જ્યારે ભાજપે ગોવામાં, મણિપુરમાં અને મેઘાલયમાં કોંગ્રેસ એક મોટા પક્ષ તરીકે ઊભરી આવવા છતાં સરકાર રચી તો કેવી રીતે ? તો તેની પાછળ અરૂણ જેટલી યાદ આવ્યા. ગોવામાં ભાજપે ગોવાની ફોરવર્ડ પાર્ટી સામે ગઠબંધન કરી લીધું હતું. એ જ રીતે મણિપુરમાં પણ કોંગ્રેસ એક મોટા પક્ષ તરીકે ઊભરી આવી હતી છતાં ત્યાં ભાજપ સરકાર બનાવી દીધી. જ્યારે મેઘાલયમાં પણ ૬૦ વિધાનસભા બેઠકોમાંથી બે સીટ જીતવા છતાં સરકાર બનાવી હતી. જો કે આ મામલે કોંગ્રેસે ફરિયાદ કરી હતી કે શું સરકારના જનાદેશને પણ માન આપવામાં આવતું નથી ? તો ત્યારે તત્કાલીન નાણામંત્રી અરૂણ જેટલીએ સ્પષ્ટતા કરી હતી કે શા માટે કોઈ એક પાર્ટી રાજ્યમાં એક મોટા પક્ષ તરીકે ઊભરી ન શકે તેમ છતાં સરકાર રચી શકે છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ આરોપ મૂકે છે કે ભાજપે જનાદેશનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે ગોવામાં ભાજપે બહુમતી સાબિત કરી હતી જેના પગલે ત્યાં સરકાર રચવામાં આવી હતી.