(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
શહેરના ડિંડોલી નજીક સળિયા ગામ પાસે પેટ્રોલ પંપ પાસે એક યુવાન ઉપર ચપ્પુના ઉપરા-છાપરી ઘા મારીને કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સણીયા ગામની સીમમાં આવેલ આઈઓસીએલ કંપનીના પેટ્રોલપંપ ઉપર રાત્રે ૧૧ વાગ્યાના સુમારે સાતથી આઠ ઈસમો દ્વારા એક યુવાનને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ મૃતક યુવાન રાજેશ સિદ્ધનાથ ખેરનાર (ઉ.વ. ૩૭) ડીંડોલી શ્રધ્ધા સોસાયટી ખાતે રહેતો અને મકાન લે-વેચની દલાલીનું કામ કરતો હતો. ત્રણ સંતાનોના પિતા એવા રાજેશ ખેરનારના કવિતા નામની પરિણીત મહિલા સાથે લગ્નોત્તર સંબંધ હતા. આ સંબંધની અદાવત રાખીને કવિતાના પિતા અશોક સપકાળે (રહે. મહાદેવનગર ડીંડોલી)એ ગત રાત્રે પોતાના સાથીઓ સાથે મળી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવા આવેલ રાજેશ ઉપર ખૂની હુમલો કર્યો હતો. આ બનાવ સંદર્ભે રવીન્દ્ર સિદ્ધનાથ ખૈરનાર(રહે. બી/૭૪, શિવશિક્ત સોસાયટી, કરાડવા રોડ) દ્વારા ભાઈની હત્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે ગુનો નોદ્વધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.