રાજકીય સન્માન સાથે કરૂણાનિધિને અંતિમ વિદાય

(એજન્સી) ચેન્નાઇ, તા. ૮
તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન અને ડીએમકેના વડા દિવંગત એમ. કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરીના બીચ પર જ કરવામાં આવ્યા હતા. મદ્રાસ હાઇકોર્ટે રાજ્ય સરકારના વિરોધને ફગાવી દઇને કરુણાનિધિની દફનવિધિ મરીના બીચ પર કરવા મંજૂરી આપી હતી. દરમિયાન કરુણાનિધિને મરીના બીચ પર દફનાવવાના વિવાદને લઇ સુરક્ષાનાં પગલાંરૂપે મરીના બીચ પર રેપીડ એક્શન ફોર્સ ભારે પોલીસ કૂમક તહેનાત કરવામાં આવી હતી. દરમિયાન દક્ષિણની રાજનીતિના દિગ્ગજ દિવંગત કરુણાનિધિના નિધનના સમાચાર મળતાં જ દેશના તમામ નેતાઓ અને રાજકીય હસ્તીઓને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. કરુણાનિધિનાં અંતિમ દર્શન કરવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ચેન્નઇ પહોંચી ગયા હતા અને દિવંગતના દેહનાં દર્શન કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, આરજેડી નેતા તેજસ્વી યાદવ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે શ્રદ્ધાંજલિ આપવા રાજાજી હોલ પહોંચ્યા હતા. આ ઉપરાંત તેલંગાનાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ અને અભિનેતા રજનીકાંત પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ડીએમકે વડા કરુણાનિધિની અંતિમ વિદાયમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. રસ્તાઓ પર ઠેર-ઠેર જનસેલાબ નજરે પડતું હતું. તમિલનાડુના લોકોમાં પોતાના એક મહાન નેતાને ગુમાવવાનો ગમ દેખાતો હતો. ઠેર-ઠેર લોકો કરુણાનિધિને ભીની આંખોએ વિદાય આપી રહ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કોંગ્રેેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિત કેટલીયે હસ્તીઓએ ટિ્‌વટ કરીને કરુણાનિધિને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હાસને પણ કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપી હતી.
સરકારે મદ્રાસ હાઇકોર્ટને જણાવ્યું હતું કે દિવંગત કરુણાનિધિએ પોતાના મુખ્યપ્રધાનપદના સમય દરમિયાન પ્રોટોકોલ મેન્યુઅલ માન્ય રાખીને પૂર્વ મુખ્યપ્રધાન જાનકી રામચંદ્રન માટે મરીના બીચ પર જમીન ફાળવવાનો ઇનકાર કર્યો હતો. સરકારે એવી દલીલ રજૂ કરી હતી કે પૂર્વ મુખ્યપ્રધાનોના મરીના બીચ પર અંતિમ સંસ્કાર નહીં કરવાની પરંપરા રહી છે. મંગળવારે સાંજના સમયે ૯૪ વર્ષે કરુણાનિધિનું ચેન્નાઇની કાવેરી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કારની જગ્યા અંગે વિવાદ ચાલ્યો હતો. મદ્રાસ હાઇકોર્ટમાં મરીના બિચ ઉપર અંતિમ સંસ્કારને રોકવા માટે અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી મંગળવાર મોડી રાત સુધી ચાલી હતી. ત્યારબાદ જજોની બેચ દ્વારા બુધવારે સવારે ફરથી સુનાવણી હાથધરી હતી. અરજી કરતા અને સરકારના વકિલો દ્વારા પોતાનો પક્ષ મુક્યો હતો. આમ અંતે મદ્રાસ હાઇકોર્ટે નિર્ણય તમિલનાડુ સરકાર તરફ આપ્યો હતો. અને પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કાર મરિના બીચ ઉપર કરવાની મંજૂરી આપી છે. જેના પગલે સમર્થકોમાં ભારે ઉત્સાહ ફેલાયો હતો.
ઉલ્લેખનીય છે કે, આ બીચ પર પૂર્વ મુખ્યમંત્રીઓ સી રાજગોપાલચારી અને કે કામરાજના સ્મારક છે. ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમકે સ્ટાલિને રાજ્યના મુખ્યમંત્રીના પલનીસ્વામીને પત્ર લખીને કરુણાનિધિના સંરક્ષક સીએન અન્નાદુરઈના મરીના બીચ પર બનેલા સ્મારકની અંદર જ દફનાવવાની જગ્યા આપવાની માગ કરી હતી. સ્ટાલિને આ સંબંધમાં સીએમ સાથે પણ મુલાકાત કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks